રાજકોટના 100થી વધુ ડોક્ટરો કોરોના સંક્રમિત થતા IMAનું એલર્ટ

કોવિડ-નોન કોવિડ હોસ્પિટલના ડોક્ટરોએ સોશ્યલ ડિસ્ટન્સ, પીપીઈ કિટ, એન-95 માસ્ક, ઓપીડીમાં એક જ વ્યક્તિને અંદર આવવા દેવા સહિતના અનેક નિયમોનું ચુસ્ત પાલન કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ

રાજકોટ, તા.10
રાજકોટના કોરોનાએ ભૂક્કા કાઢી નાખ્યા હોય તેવી રીતે દરરોજ મોટી સંખ્યામાં લોકો તેની હડફેટે ચડી રહ્યા છે તો મોત પણ એટલી જ સંખ્યામાં થઈ રહ્યા છે. ખાસ કરીને દર્દીઓને સાજા કરતાં ડોક્ટરો જ કોરોના સંક્રમિત થતા ચિંતામાં વધારો થયો છે. અત્યારે રાજકોટના 100થી વધુ ડૉક્ટરો કોરોનામાં ઝપટમાં આવી જતાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-રાજકોટ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આઈએમએ દ્વારા કોવિડ અને નોન કોવિડ એમ બન્ને હોસ્પિટલના ડોક્ટરો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

બે મહિના પહેલાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર દ્વારા મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ સહિતના શહેરો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે એક મહિના પહેલાં સુરત અને દોઢ મહિના પહેલાં અમદાવાદમાં પણ આ પ્રકારનું એલર્ટ અપાયું હતું. હવે રાજકોટની સ્થિતિ પણ બગડી રહી છે ત્યારે અહીં પણ આ પ્રકારનું એલર્ટ જાહેર કરવું જરૂરી બની ગયું છે. આ એલર્ટ અંતર્ગત તમામ ડોક્ટરોએ 6 ફૂટનું ડિસ્ટન્સ જાળવવું, દર બે કલાકે હેન્ડ સેનિટાઈઝ, એન-95 માસ્ક પહેરવું, ફેસશિલ્ડ પહેરી રાખવા, ઓપીડી દરમિયાન દર્દીને જ અંદર આવવા દેવા અને તે દર્દીને પણ પૂરતી તકેદારી સાથે અંદર આવવા દેવા સહિતની સાવચેતી રાખવી અત્યંત જરૂરી ગણાવવામાં આવી છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું કે દર્દી કોઈ પણ બીમારી માટે દાખલ થાય કે તેનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવો જ જોઈએ. આ ઉપરાંત દરેક ડોક્ટરે પીપીઈ કિટ પહેરીને રાખવી જોઈએ. આ ઉપરાંત હોસ્પિટલની અંદર દર્દીના એકથી વધારે સગા એકત્ર ન થાય તે માટેના નિયમો અમલી બનાવી દેવા જોઈએ. દરેક તબીબે ઓપીડીમાં આવવા માટે દરેક દર્દીને એક નિર્ધારિત સમય આપી દેવો જોઈએ જેથી ભીડ એકઠી ન થાય. ખાસ કરીને ઓપરેશન પહેલાં થતી નાસ્તપાર્ટીને પણ આ સમયમાં બંધ કરી દેવી જોઈએ. આ સહિતની તકેદારીનું પાલન કરવાથી કોરોના દૂર રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આઈએમએ દ્વારા વધુમાં જણાવાયું કે અત્યારે બને એટલું સાવચેત રહેવાનો સમય છે તેથી પરિવાર તેમજ મિત્રમિલનને ટાળવું જોઈએ. આ ઉપરાંત દરેક ડોક્ટરે ઈમ્યુનિટી પાવર વધારવા ઝીન્ક, વીટામીન સી અને ડીની ટેબ્લેટનું અવશ્ય સેવન કરવું જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોરોના અત્યારે બેકાબૂ બની ગયો છે અને દરરોજ ડોક્ટરો પણ તેની ઝપટે ચડી રહ્યા છે. ખાસ કરીને નોન-કોવિડ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરોને પણ કોરોના થતાં તબીબી આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બગડી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ડોક્ટરો આટલી કાળજી ખાસ રાખજો: આઈએમએની સલાહ

  • યોગ્ય સ્ટાન્ડર્ડ ધરાવતું માસ્ક, ફેસશિલ્ડ, ગ્લવ્ઝ, એપ્રોન હોસ્પિટલમાં હો ત્યારે સતત પહેરી રાખવા
  • કોઈ પણ પ્રકારના દર્દીઓ અથવા મળવા આવતાં સંબંધીઓ સાથે સુરક્ષિત સંપર્ક જાળવવો
  • શક્ય એટલો ઓછો સમય સંબંધીઓ કે દર્દીઓ સાથે રાખવો
  • દર્દીઓ સાથે આવતાં તેમના સંબંધીઓમાંથી માત્ર એકને જ પ્રવેશ આપવો
  • કોઈ પણ તબીબી પ્રક્રિયા નિયત કરેલી હોય અને શક્ય હોય તો તે મોકુફ રાખવી
  • બાળકોના નિષ્ણાત તબીબો સૌથી વધુ સંક્રમિત થયા છે કારણ કે બાળકો સુપરસ્પ્રેડર હોય છે ત્યારે બાળકોના તબીબોએ ખાસ તકેદારી રાખવી પડશે
    -બાળકોને ચકાસતી વખતે શક્ય એટલી વધુ તકેદારી રાખવી
  • હોસ્પિટલના સ્ટાફ સાથે પણ સંપર્કમાં ખાસ કાળજી રાખવી. સ્ટાફ સાથે સંપર્ક વખતે માસ્ક કે અન્ય સુરક્ષિત સંશાધનો ધારણ કરવામાં આવતાં ન હોવાનું ધ્યાને આવ્યું છે પરંતુ તે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ સંક્રમિત હોઈ શકે છે.
  • ઓપરેશન થયા પછી નાસ્તા પાર્ટી પણ ન કરવી.
  • અત્યારનો સમય હાઈએલર્ટનો છે. પરિવાર કે મિત્રો સાથે પાર્ટી કરવાનું પણ ટાળવું તમામ લોકો માટે ફાયદાકારક છે. ઝીન્ક, વીટામીન-સી, વીટામીન-ડી રોગ પ્રતિકારક શક્તિ માટે નિયમિત લેવી.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો