skip to content

ખળખળાટ હસો: આજે 5મી મે એટલે “વિશ્વ હાસ્ય દિવસ”

😀 હાસ્ય થેરાપી અપનાવવી.
😀 હાસ્ય એ સસ્તામાં સસ્તી દવા છે.
😀 હસીએ, હસાવીએ, હસી કાઢીએ…હાસ્યદાન, ઉત્તમ દાન.

જાન્યુઆરી ઈ.સ 1998માં ડૉ.મદન કટારીયા દ્વારા મુંબઇમાં “વિશ્વ હાસ્ય દિવસ” ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. હાસ્ય એક યોગની જેમ વ્યક્તિને ઊર્જાવાન બનાવવાની સાથે સમાજમાં શાંતિ, ભાઇચારો અને સદભાવના વધે તેવા ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં ખુશહાલી ફેલાવવા માટે દર વર્ષે મેના પહેલા રવિવારે આ દિવસ ઉજવવામાં આવે છે. 

આ વર્ષે “વિશ્વ હાસ્ય દિવસ” 5 મે ના રોજ મનાવવામાં આવશે.  ડૉ.મદન કટારીયા પોતાના એક અનુભવમાં જણાવે છે કે હાસ્ય અસરકારક દવા છે. આંધ્રપ્રદેશમાં વિશ્વમોહન નામના એક વ્યક્તિ હતા. તે હાસ્ય યોગથી જોડાયા પહેલાં તેમને લગભગ દરેક પ્રકારની બીમારી હતી અને તે હસનાર વ્યક્તિઓથી ખૂબ જ ચીડાતા હતા. એક વખત ડૉ. મદન કટારીયાનાં  લાફ્ટર ક્લબના મેમ્બરે તેમને ક્લબમાં બોલાવ્યા તો તે શરૂઆતમાં તો મન વિના આવતા હતા, પરંતુ ક્લબમાં આવ્યાં બાદ છેલ્લાં 22 વર્ષમાં જે બદલાવ ન આવ્યો તે બદલાવ છ મહિનામાં જ દેખાવા લાગ્યો. તેમની હેલ્થ વધુ સારી થતી ગઇ. તે રોજ ઘણી દવાઓ લેતા હતા. પરંતુ છેલ્લા છ મહિના બાદ તેમની દવાઓની સંખ્યામાં ઘટાડો થતો ગયો. 

હસવું એ એક ઉપચારનું સૌથી સુખદ સ્વરૂપ છે. તેમાં ફક્ત તમારા આત્માને જ નહીં પણ તમારા શરીરને પણ સાજા કરવાની શક્તિ છે. તે આખા શરીરને આરામ આપવાની સાથે શારીરિક તાણને દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. તે પીડા, તાણ અને સંઘર્ષ માટેના મારણનું કામ કરે છે. તમે કદાચ આ વાક્ય સાંભળ્યું હશે, ‘હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે.’ જ્યારે પણ તક મળે ત્યારે હસો, જ્યારે લોકો તમને રમૂજી દેખાવ આપે ત્યારે પણ હસવાનું બંધ ન કરો.

હાસ્ય એ વૈશ્વિક ભાષા છે. તે આશાને પ્રેરણા આપે છે, તમને અન્યથી જોડે છે. એ ગુસ્સો મુક્ત કરવામાં અને વહેલા માફ કરવામાં મદદ કરે છે. ફક્ત એક સરળ સ્મિત અથવા સહેજ હરકતો એ આસપાસના વાતાવરણ અને મૂડને સંપૂર્ણપણે બદલી શકે છે. હાસ્યમાં રૂઝ આવવા અને નવીનીકરણ કરવાની શક્તિ છે. એક અંદાજ મુજબ દિવસમાં ૧૫ મિનીટ હસવાથી ૯૨% બીમારીઓથી રાહત મળે છે.  હકીકતમાં હાસ્ય અને સ્વાસ્થ સાથે જોડાયેલ પ્રક્રિયા છે. જે વ્યક્તિ જીવનમાં હાસ્યનું મહત્વ સમજીને તેને યોગ,પ્રાણાયામની માફક જો હાસ્ય થેરાપીને જો પોતાના જીવનમાં ઉતરશે તો ઘણા ખરા રોગોથી બચી શકાય છે.

હસતે હસતે, કટ જાયે રસ્તે… ઝીંદગી યું હી ચલતી રહે.

મિત્તલ ખેતાણી

આ સમાચારને શેર કરો