Placeholder canvas

ગુજરાતમાં આગામી તા.23થી સ્કૂલો ખુલશે…

તા. 23થી રાજ્યમાં મર્યાદિત શિક્ષણ કાર્ય શરૂ : વિદ્યાર્થીઓ માટે હાજરી ફરજિયાત નહીં, પ્રથમ તબક્કે ધો. 9 થી 12 અને કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ તથા આખરી વર્ષના વિદ્યાર્થીઓને બોલાવવાની છૂટ…

ગુજરાતમાં તા. 23 નવેમ્બર ધો. 9 થી 12ની શાળાઓ અને યુનિવર્સિટી તથા કોલેજોમાં તથા ટેકનીકલ ઇન્સ્ટીટયુટમાં શિક્ષણ કાર્ય શરુ કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ કાર્ય શરુ કરવા માટે જે માર્ગરેખા નક્કી થઇ છે તેના અનુસાર શૈક્ષણિક સંસ્થાઓ શરુ કરાશે. જો કે તેમાં વિદ્યાર્થીઓ માટે હાજરી ફરજીયાત નહીં હોય ઉપરાંત શાળા-કોલેજોમાં જે વર્ગો શરુ થવાના છે તેમાં પણ જે તે સંસ્થાના સંચાલકો અથવા આચાર્યએ વાલીઓની સંમતિ લેવી જરુરી બનશે. અને જે વાલીઓએ સંમતિ આપી હશે તેમના સંતાનોને જ શાળા અથવા કોલેજોમાં બોલાવી શકાશે.

આજે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. અને જણાવ્યું હતું કે દરેક શાળાઓ તથા કોલેજો કે જેમને શિક્ષણ કાર્ય ચાલુ કરવા માટે મંજૂરી અપાઈ છે તેઓએ દરેક વાલીઓ પાસે એક ફોર્મ ભરાવાનું રહેશે અને તેમાં વાલીઓની સંમતિ જરુરી રહેશે. તથા કોરોનાની જે ગાઈડલાઈન છે તેનું પાલન વાલીઓ તથા વિદ્યાર્થીઓ કરશે તેવી સંમતિ આપવી પડશે. ધો. 1 થી 8ના વર્ગો ચાલુ કરવા અંગે શ્રી ચુડાસમાએ કહ્યું કે તા. 23 નવેમ્બર બાદનો અનુભવ જોયા બાદ આ અંગે નિર્ણય લેવાશે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ યથાવત રહેશે.

કોલેજોમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કે બોલાવવાના રહેશે અને બાદમાં સરકાર વધુ વર્ગો ખોલવા અંગે નિર્ણય લેશે. શ્રી ચુડાસમાએ કહ્યું કે દરેક શાળામાં વિદ્યાર્થીઓનું રોજ થર્મલ સ્ક્રેનીંગ થાય ઉપરાંત સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ અને સેનીટાઈઝર સહિતની વ્યવસ્થા કરવાની જવાબદારી શાળા સંચાલકોની રહેશે અને કોઇપણ વિદ્યાર્થીને કોરોના સંક્રમણના પ્રાથમિક લક્ષણ જણાય તો તુર્ત જ હોસ્પિટલ સતાવાળાઓને જાણ કરવાની જવાબદારી શાળા સંચાલકોની રહેશે.

શ્રી ચુડાસમાએ કહ્યું કે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓને કે કોલેજના જે વર્ગોને મંજુરી અપાઈ છે તેમના સંતાનોને મોકલવા કે કેમ તે જોવાનો નિર્ણય વાલીઓએ જ કરવાનો રહેશે. હાલ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિકમાં આ છૂટછાટ સાથે શાળાઓ શરુ કરવા મંજૂરી અપાઇ છે. કોઇપણ શાળાઓમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય તે જરુરી રહેશે જેથી પ્રાર્થના કે તેવી કોઇ સામૂહિક પ્રવૃતિ હાલ કરી શકાશે નહીં. વિદ્યાર્થીઓને ઓડ-ઇવન સિસ્ટમથી બોલાવવા કે કેમ તે અંગે નિર્ણય શાળા સંચાલકોએ કરવાનો રહેશે અને શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીઓ અને અન્ય સંબંધીત જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓને પુન: શિક્ષણ કાર્ય શરુ કરવાની પ્રક્રિયા પર નજર રાખવા ખાસ સૂચના અપાઈ છે.

આ સમાચારને શેર કરો