રાજકોટ: રેસકોર્ષ ગાર્ડનના 12 દિવસ બાદ દરવાજા ખુલ્યા: ફૂલછોડનું વેચાણ શરૂ…

રાજકોટ ખાતે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મનપા સંચાલીત રેસકોર્ષ ગાર્ડનમાં ફલાવર શોનું આયોજન થતાં ગત તા.22 થી તા.2 સુધી આમ જનતા-બાળકોની પ્રવેશબંધી બાદ આજે સવારથી ફરી રેસકોર્ષ ગાર્ડન ખુલ્લૂ મૂકાયું છે.

ફલાવર શો-2020ને અનુલક્ષીને ગત તા.22 જાન્યુ.થી રેસકોર્ષ ગાર્ડનમાં બાળકો સહિત આમ જનતા માટે પ્રવેશ બંધ કરાયો હતો. બે દિવસ ગાર્ડનમાં સુશોભન સાથે સ્ટોલ ઉભા કરાયા હતા. તા.24 થી તા.28 સુધી ટીકીટના દરથી સૌ કોઇને પ્રવેશ મળ્યો હતો. ફલાવર શોની સમાપ્તી બાદ ફૂલછોડ અને સ્ટોલનો મંડપ સમીયાણો હટાવવા ગઇકાલ રવિવાર સુધી ગાર્ડનમાં પ્રવેશ બંધ રહ્યા બાદ આ જ સવારથી આમ જનતા ફરી વિનામુલ્યે પ્રવેશ શરૂ છે.

મનપા દ્વારા ગાર્ડનમાં જ વહેલા તે પહેલાના ધોરણે સીઝનલ ફૂલછોડનું વેંચાણ સવારના 9 થી સાંજના 5 કલાક સુધી શરૂ થયેલ છે. 12 દિવસ બાદ ફરી ગાર્ડન ખુલતા ગાર્ડનમાં ફરી બાળકોનો કિલ્લોલ યુવા વર્ગ, વડીલો ટહેલવા લાગ્યા છે. આરામથી સમય વિતાવવા પહોંચ્યા હતા. જો કે ગાર્ડનમાં હજુ અમુક સ્થળોએ મંડપ સમીયાણાનો સરસામાન અડચણરૂપ હોય કોન્ટ્રાકટર દ્વારા મંડપ સમીયાણાનો સરસામાન વહેલી તકે ઉઠાવી લે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.

બહુમાળી ભવન સામે આવેલા રેસકોર્ષ ગાર્ડનમાં આજે સવારના 9 કલાકથી રંગબેરંગી અનેકવિધ જાત-જાતના ફૂલછોડનું વેચાણ શરૂ થતાં લોકો ફૂલછોડ ખરીદવા ઉમટયા હતા.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •