વાંકાનેર: રિસામણે બેસેલી પત્નીને પતિ અને દિયરે રસ્તામાં મારી.!
વાંકાનેર : વાંકાનેરમાં માવતરને ઘેર રિસામણે બેસેલી પરિણીતાને રસ્તામાં આંતરીને પતિ તથા દિયરે બોલાચાલી બાદ હુમલો કરતા ઘવાયેલી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના નવાપરા પુલના છેડે માવતરના ઘેર રહેતી પરિણીતા રતનબેન રાજેશભાઇ ચારોલીયા ઉં.વ.35 એ નવાપરા ડૉ. દેલવાડિયાના દવાખાના પાછળ રહેતા તેના પતિ તથા દિયર સામે રસ્તામાં આંતરીને માર માર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યાનુસાર તેનો પતિ રાજેશ તેને શારીરિક માનસિક ત્રાસ આપતો હોય પાછલા બે માસથી તેઓ પોતાના માવતરને ત્યાં રહેવા જતા રહ્યા છે. ગઈ કાલે સાંજે ચારેક વાગ્યાના અરસામાં તેઓ મચ્છુ નદીના પટમાંથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના પતિએ તેને રસ્તામાં આંતર્યા હતા અને “તું ક્યાં રખડશ” મારા ઘેર આવવાનું છે કે નહીં?” એમ કહી ગાળો આપી બોલાચાલી કરી બાદમાં પાઇપ વડે માર માર્યો હતો.
આ દરમ્યાન રતનબેનની ભત્રીજી વચ્ચે છોડાવવા આવતા તેને પણ રાજેશે વાંસાના ભાગે મૂંઢ માર માર્યો હતો. આ બનાવ વખતે તેનો દિયર પ્રફુલ વજાભાઇ ચારોલીયાએ પણ રતનબેન તથા તેની ભત્રીજીને ગાળો ભાંડી રાજેશને મદદગીરી કરી હતી. આ બાબતની ફરિયાદ પરિણીતાએ વાંકાનેર સીટી.પો.મથકમાં નોંધાવતા મહિલા પો.સ્ટે.ના પી.આઈ. સાકરીયાએ આઈ. પી.સી.કલમ 498 (A), 323, 504, 114 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.