મોરબીથી 1200 પરપ્રાંતીઓને લઈ ઝારખંડ જવા ટ્રેન રવાના…
સમગ્ર ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને પાછલા ચાર દિવસોથી ગુજરાતમાંથી અન્ય રાજ્યોની શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો દોડાવવાનું શરૂ થયું છે. એ અંતર્ગત આજે ગુરુવારે સવારે 10 કલાકે મોરબીથી ઝારખંડના અંદાજે 1200 શ્રમિકોને લઈને એક ખાસ ટ્રેન રવાના કરવામાં આવી હતી.
આજે ગુરુવારે મોરબી રેલવે સ્ટેશનેથી ઝારખંડના 1200 શ્રમિકોને લઈને એક ટ્રેન રવાના થઈ હતી. આ ક્ષણે તમામ પરપ્રાંતીય શ્રમિકોના ચહેરા પર વતન વાપસીની ખુશી સ્પષ્ટપણે જોવા મળી રહી હતી. પાછલા 45 દિવસોથી લોકડાઉંનને લઈને રોજગાર વગર મોરબીમાં ફસાયેલા મોટા ભાગના સીરામીક યુનીટોના શ્રમિકો આજે માદરે વતન જવાની ક્ષણે ભાવુક જોવા મળ્યા હતા. અંદાજે 60 જેટલી સીરામીક ફેક્ટરીના શ્રમિકોને જે-તે ફેકટરીના માલિકો દ્વારા ટ્રેનનું ભાડું ચુકવવામાં આવ્યું હતું. એક પ્રવાસીની 900 રૂપિયાની ટિકિટ જે-તે શ્રમિકના ફેક્ટરી માલિકે લઈ આપી હતી અને આ રીતે શ્રમિકોની વતન વાપસીનો માર્ગ મોકળો થયો હતો.
ટ્રેનના રવાનગી સમય પહેલા તમામ શ્રમિકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને શ્રમિક સ્વસ્થ છે તેનું સર્ટિફિકેટ પણ દરેકને આપવામાં આવ્યું હતુ. આ તકે મોરબી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, અધિક કલેક્ટર કેતન જોષી, મોરબી જિલ્લા એસ.પી. ડૉ. કરણરાજ વાઘેલા સહિત તંત્રના સ્ટાફ તેમજ સીરામીક એસોશિએશના પ્રમુખ નિલેશ જેતપરીયા, મુકેશભાઈ ઉધરેજા, કિરીટભાઈ પટેલ તેમજ નરેન્દ્રભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ફેક્ટરી માલિકોએ વતન જતા શ્રમિકોને રસ્તામાં કોઈ મુશ્કેલી ન પડે એ માટે સુકો નાસ્તો, પાણીની બોટલો સહીત ફૂડપેકેટનું વિતરણ કર્યું હતું. આ રીતે વતન જતા શ્રમિકો પેટ ભરવાના ભાથા સાથે મોરબીના ઉધોગપતિઓ અને તંત્રની માનવતાનું ભાથું પણ યાદગીરી સાથે લઈ નીકળ્યા હતા. આવનારા દિવસોમાં અન્ય રાજ્યોની ટ્રેન પણ મોરબીથી રવાના થશે એવું જાણવા મળી રહ્યું છે. એ માટેની પ્રક્રિયા હાલ ચાલુ થઈ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…