આજે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસે માનવ સમાજને સત્ય હકિકત ઉજાગર કરતો પ્રેરણાત્મક કિસ્સો
By રમેશ ઠાકોર -હડમતીયા
ટંકારાના હડમતિયામાં નાનપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલી ત્રણ દિકરીઓ અને એક પુત્રની અભણ વિધવા માતાઓ સંતાનોનેે માસ્ટર ડિગ્રીઓ અપાવી માનવ સમાજમાં પિતા વિનાના બાળકોને પ્રેરણાસ્તોત્ર સત્ય હકિકત દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. કન્યા કેળવણી સાક્ષરતાને ઉજાગર કરતો અને પિતા વિનાના બાળકોને જીવનમાં કપરી પરિસ્થિતમાં મક્કમ મનોબળ રાખીને ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચવામાં પ્રાણવાયુનો સંચાર કરતો કિસ્સો આજના “વિશ્વ મહિલા દિવસ” નિમિતે ઉજાગર થયો છે.
પિતા શબ્દ સાંભળતા જ મનમાં ઘેઘુર વડલાનું ચિત્ર ઉપસી આવે એવો વડલો કે જેના મુળીયા ખુબ ઉંડે સુધી જડાયેલા હોય તેની ઘાટી ઘેઘુર છાયામાં પરિવાર પાવન નિશ્રા માણતો હોય બીજી તરફ કહીઅે તો પિતા એટલે વહેલી સવારે ઘરના બે છેડા ભેગા કરવા કાળી મજુરી કરવા નિકળી પડતુ ચરિત્ર, એક રીતે કહીઍ તો પિતા ઘરનો મોભ છે, પિતા વિનાનું ઘર ખાંડ વિનાની ચા જેવું ફિક્કું છે, એનું મુલ્ય આકીએ તેટલુ ઓછું છે. પિતાના કારણે ઘરમાં કલરવ હોય છે, માતાની આંખમાં ચમક પિતાને આભારી હોય છે, પિતા ઘરનું અંજવાળુ હોય છે પિતા વિનાના ઘરની કલ્પના ભલભલાને ઘ્રૃજાવી દે છે, પિતા એ સાચો રસ્તો બતાવતો ઘરનો માઈલસ્ટોન છે, જ્યારે કોઈ દિકરી-દીકરા પરથી પિતાની છત્ર છાયા યા કોઈ પરિણીત સ્ત્રીનું સિંદૂર ભૂંસાઈ જાય અને પરિવારનો માળો જ વિંખાઈ જાય ત્યારે એ પરિવાર પર શું વિતતી હશે…!! એની તો કલ્પના જ કરવી અશક્ય છે..!! “મમ્મા, મધરનો સ્પેલિંગ “Mother
આમાંથી “M” કાઢી નાખીએ તો “Other” થઈ જાય એમ જો હર્યાભર્યા પરિવારમાંથી “Father માંથી “F ” નીકળી જાય તો “Ather” જ થઇ જાય…!!
આજના વિશ્વ મહિલા દિવસે દીકરી કે માતા પર લખવાનું આવે ત્યારે હ્દયના ધબકાર બે ઘડી માટે અટકી જાય છે અને વેદનાનું રુદન ફરી એકવાર દિકરી પર લખવા માટે મજબુર કરે છે.
માનવ સમાજમાં દિકરીઓને “સાપનો ભારો” કહીને અવગણતા હોય છે ત્યારે માનવ સમાજને આ પિતા વિનાની ત્રણ દિકરીઓ અને માડી જાયા ભાઈઍ સણસણતો તમાચો ચોડી દીધાનો કિસ્સો સામે આવ્યો છે અને વર્તમાન સમાજમાં પિતા વિનાના બાળકોને પ્રાણવાયુનો સંચાર કર્યો છે.
ટંકારાના હડમતિયા ગામના લેઉવા પટેલ પરિવારમાં છ વ્યક્તિનું કુંટુંબ ઘરાવતા હર્યાભર્યા પરિવારમાં મોભ સમાન પિતા જેરાજભાઈ દેવાભાઈ ડાકાનું ૧૯૯૨ માં માર્ગ બાઈક અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું ત્યારે નાનકડું ગામ પણ શોકમગ્નમાં ગરકાવ થઈ ગયું હતું પરિવારમાં માતા સહિત ત્રણ દિકરીઓ અને ઍક પુત્ર પર જાણે આભ તુટી પડ્યું હોય તેમ જેમની મોટીપુત્રી દક્ષાબેન ઉં-૬ વર્ષ,બીજીપુત્રી રશ્મિતાબેન ઉં-૪ વર્ષ, ત્રીજા ક્રમે પુત્ર હિતેષ ઉં-૨ વર્ષ, અને ચોથા ક્રમે પુત્રી પુનમબેન ઉં-૩ માસ હતી ત્યારે પિતાની છત્રછાયા, તો પત્નીઍ સેંથાનું સિંદૂર ગુમાવ્યું હતું. પરિવાર પર આવી પડેલી કપરી પરિસ્થિતીનો માતા અને દિકરીઓએ સમય સાથે બાથ ભીડીને સામનો કર્યો હતો. જેની ઉંમર ઢીંગલા-પોતીકા રમવાની હતી તેવા સમયે અભણ માતાને ખેતીકામમાં મદદ કરી આ ત્રણે બહેનોએ નાનકડા ભાઈનું પણ જતન કરવામાં પાછી પાની ન કરી અભ્યાસની સાથે ઘરની જવાબદારી પણ ઍટલી જ હતી. માતા અનસોયાબેન ડાકા કાળી રાત્રીના સમયે વન્યપ્રાણીઅોના ડર વિના ખેતરમાં પાણી વાળીને પોતાના સંતાનોને ભણાવ્યા. સમય જતા વયષ્ક થયા અને અભ્યાસમાં ત્રણ દિકરીઓએ કન્યાકેળવણીનો પાયો મજબુત કરીને ત્રણ દિકરીઓમાં પ્રથમ દક્ષાબેન M.A.B.ed, ( મોરબી આદર્શ માતા કસોટી ફેઈમ) બીજી રશ્મિતાબેન M.A. ત્રીજી પુનમબેન B.A. P.T.C. અને નાનકડા ભાઈ હિતેષે B.E. Engineering ની પરીક્ષા પાસ કરી છે. હાલ અનશોયાબેન ડાકાઅે ત્રણે પુત્રીઅોને સાસરે વળાવી સસરાપક્ષ તેમજ ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજમા પણ મોભો ઉંચો રાખ્યો છે. કહેવાય છે કે માતાની અંત:નાભીથી નિકળેલ આશિર્વાદ વિફળ જતા નથી તેમ અેક સમયે વિધવા અભણ માતાએ પુત્રને આશિર્વાદ આપતા કહ્યું હતું કે…બેટા તું મોટો ઈજમેર (ઈજનેર) બનીશ આ અભણ માતાની મુખે નિકળેલ ઈજમેર નહી પણ ઈજનેરના આશિર્વાદ કુદરતે સાંભળી લીધા હોય તેમ પુત્ર હિતેષભાઈ હાલ જીપીએસસીની એક્ઝામ પાસ કરી ચુંક્યો છે હજુ ઉતરોતર ઉચ્ચ અધિકારી બનવા માટેની તૈયારી પુરજોશમાં ચાલુ છે અને ઍ સપનું પણ સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે મને ઍક સુપ્રસિદ્ધ હિન્દી ફિલ્મ ” મધર ઈન્ડિયા “ના સોંગની પંક્તિ જરુર યાદ આવે…
- દુનિયા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા,
જીવન હી અગર જહેર તો પીના હી પડેગા..
ગીર ગીર કે મુસિબત મેં સંભલતે રહેંગે,
જલ જાયે મગર આગ પે જલતે હી રહેંગે… - ” દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે..
રંગ જીવનમા નયા લાયો રે…
દેખ રે ઘટા ઘીર કે આયી, રસ ભર ભર લયી..”
આમ વર્તમાન સમાજમાં અેક અભણ માતાઅે સંતાનોનું જતન કરી આપણી ગુજરાતી કહેવત અનુશાર “નારી તું નારાયણી” અથવા તો “નારી તું ના હારી” કહેવતને સાર્થક કરતો કિસ્સો અને પિતા વિનાના બાળકોને સત્ય હકિકત દર્શાવતો કિસ્સો પ્રાણવાયુ બનીને આજના વિશ્વ મહિલા દિવસે માનવ સમાજને ઓક્સિજ તરીકે પ્રાણવાયુનો સંચાર કર્યો છે.
આજના વિશ્વ મહિલા દિન નિમિતે અનસોયાબેન જેરાજભાઈ ડાકા તરફથી ” શ્રી સરદાર લેઉવા પટેલ શૈક્ષણીક સંકુલ” માં વિશ્વ મહિલા દિન નિમિતે રૂ. ૫૫૫૫ રૂપિયાનું શુભેચ્છા સંદેશ તરીકે યોગદાન આપવાનું નક્કી કરેલ છે. અનસોયા બહેનને જીવનમા શિક્ષણ તો નથી સાપડ્યું પરંતુ જીવનમા શિક્ષણનું કેટલું મહત્વ છે તે બહુજ સારી રીતે જાણે છે અને અનશોયા બહેને પ્રત્યક્ષ અનુભવ્યું પણ છે..