Placeholder canvas

હવામાનમાં જોવા મળશે પલટો!આગામી 2 દિવસ આ વિસ્તારો માટે ભારે…

હવામાન વિભાગે પૂર્વ અને દક્ષિણના સાત રાજ્યો અંગે ચેતવણી જાહેર કરી છે. આગામી ત્રણ દિવસ આ રાજ્યોમાં વરસાદ અને આંધી તોફાનની સ્થિતિ જોવા મળી શકે છે. કેટલાક રાજ્યોમાં કરા પડી શકે છે, પવન પણ ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે પણ ખાસ જાણો. રાજધાની દિલ્હીમાં આગામી કેટલાક દિવસ હવામાન ચોખ્ખુ રહેશે.

હવામાન વિભાગે સોમવારે ચેતવણી બહાર પાડી છે કે મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, અને તેલંગણામાં કરા પડે તેવી શક્યતા છે. જ્યારે અરુણાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળો પર હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઝારખંડ, તેલંગણા, વિદર્ભ અને છત્તીસગઢમાં આંધી અને તેજ વરસાદ પડી શકે છે. આઈએમડીનું કહેવું છે કે ઓડિશામાં 19 અને 20 માર્ચના રોજ અલગ અલગ સ્થળો પર વરસાદ પડી શકે છે. છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 19 માર્ચના રોજ કેટલાક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. તેલંગણા, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો સહિત કેટલાક વિસ્તારોમાં 20મી માર્ચના રોજ વરસાદ પડી શકે છે.
તેલંગણામાં 18 અને 19 માર્ચના રોજ કરા પડવાની શક્યતા છે. 18થી 20 માર્ચ દરમિયાન રાજ્યમાં તોફાન આવી શકે છે અને વીજળી પણ પડી શકે છે. આંધ્રના કાંઠા વિસ્તારો અને યનમમાં 18થી 21 માર્ચના રોજ કરા પડવાની શક્યતા છે. મરાઠાવાડામાં 18 અને 19 માર્ચ વચ્ચે વરસાદ અને 19મીએ વીજળીની સાથે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 18થી 21 માર્ચ દરમિયાન આંધી તોફાન, વીજળી અને પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

કેવું રહેશે ગુજરાતમાં હવામાન
ગુજરાતમાં હવે ઠંડીની સંપૂર્ણ વિદાય થઈ ગઈ હોય તેવું લાગે છે. આગાહી મુજબ માર્ચ મહિનાનો અંત આવતા સુધીમાં તો પારો આકાશને આંબે એવી શક્યતા છે. માર્ચ મહિનાના અંત સુધીમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં માર્ચ મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં ઉત્તર પૂર્વ પવનની દિશા જોવા મળી રહી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં 38 ડિગ્રી અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં અસહ્ય ગરમી જોવા મળી શકે છે.

આ સમાચારને શેર કરો