સૌરાષ્ટ્રની દક્ષિણે સોમવાર સુધીમાં વાવાઝોડુ આવી જશે

સૌરાષ્ટ્ર-ગુજરાત માથે હવે વાવાઝોડાનું સંકટ સર્જાયુ છે. દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક વેલમાર્ક લો-પ્રેસર ડીપ્રેશનમાં પરિવર્તીત થયુ છે. તે વધુને વધુ મજબુત થવા સાથે સોમવારે સવાર સુધીમાં તીવ્ર વાવાઝોડામાં પરિવર્તીત થવાની શકયતા હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. રવિવારથી હવામાન પલ્ટો થવા વ્યાપક વરસાદની પણ શકયતા છે.તેઓએ કહ્યું છે કે દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ આસપાસ સર્જાયેલુ વેલમાર્ક લો-પ્રેસર ડીપ્રેશનમાં પરિવર્તીત થયા બાદ તેનું લોકેશન 11.5 ડીગ્રી નોર્થ તથા 72 ડીગ્રી ઈસ્ટ છે. અત્યારે પવન 45 થી 55 કી.મી.ની ઝડપે ફુંકાય છે.ઝાટકાનાં પવન 65 કી.મી.ના છે.

આ સિસ્ટમ ઉતરોતર વધુ મજબુત થશે અને ઉતર તરફ ગતિ કરશે.ભારતનાં પશ્ર્ચિમી દરીયા કિનારાના સમાંતર અંતરે આગળ ધપશે. 17 મી સુધીમાં મુંબઈથી પશ્ર્ચિમે તથા સૌરાષ્ટ્રની દક્ષિણે પહોંચશે. ત્યાં સુધીમાં તીવ્ર વાવાઝોડામાં પરિવર્તીત થઈ જશે. આ તકે વાવાઝોડાનાં દરીયાઈ લોકેશન ખાતે પવન 150 થી 160 કી.મી.ની ઝડપના થશે જયારે ઝાટકાનાં પવન 175 કી.મી.નાં હશે.વાવાઝોડાનો ટ્રેક-દિશા સૌરાષ્ટ્ર-કચ્છ-સિંઘ તરફ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી વાવાઝોડા સીસ્ટમની અસર 16મીથી દેખાશે અને 17-18 મીએ વધુ તીવ્ર-વ્યાપક બનશે. વરસાદ વાવાઝોડાના ટ્રેક આધારીત રહેશે. 16મીએ રાજયનાં ઘણા ભાગોમાં વાદળો છવાશે. પરંતુ વાદળો જે, વિસ્તારો સુધી ન પહોંચ્યા હોય ત્યાં ગરમીનો માહોલ રહેવાની શકયતા છે.

વાવાઝોડુ વેરાવળથી 1170 કિલોમીટર દુર

અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક આકાર લઇ રહેલાં તૌકતે વાવાઝોડાંના સંભવિત આક્રમણ સામે ઉત્તર અને દક્ષિણ કિનારાના ગુજરાતનાં તમામ બંદરોને સતર્ક કરી દેવાયાં છે.લક્ષદ્વીપ નજીક સર્જાયેલું હળવું દબાણ 24 કલાકમાં વાવાઝોડાંમાં ફેરવાય અને તે પૂર્વ-ઉત્તર પૂર્વ તરફ આગળ વધે તેવી ધારણા છે. ભારતીય હવામાન વિભાગે આ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં સાવચેતીની સૂચના આપી છે. કેરળના કન્નુરથી પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ તરફ 360 કિ.મી. અને વેરાવળથી દક્ષિણ, દક્ષિણ પૂર્વ તરફ 1170 કિ.મી. દૂર હાલ આ હળવું દબાણ કેન્દ્રિત છે. આગામી 12 કલાકમાં તે વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય અને પછીના 12 કલાકમાં તે વેગવાન વાવાઝોડાંમાં રૂપાંતરિત થાય તેવી શક્યતા છે. આ વાવાઝોડું વધુ શક્તિશાળી બનીને ઉત્તર- ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધીને 18મે સુધી ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. પરિણામે ગુજરાતના કંડલા સહિતનાં બંદરોએ ભયસૂચક સિગ્નલ ફરકાવાયું છે.હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે, જેના સંદર્ભમાં સાવચેતી અને સલામતીના પગલાં કોવિડ પ્રોટોકોલ સાથે સુનિશ્ચિત કરવાના થાય છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. આવા સંજોગોને ધ્યાને લેતાં જિલ્લાના તમામ અધિકારી / કર્મચારીઓએ આગામી 20/5 સુધી કલેક્ટરની પરવાનગી વિના હેડક્વાર્ટર નહીં છોડવા જણાવવામાં આવે છે તથા તેમ કરવામાં ચૂક થશે તો સંબંધિતો વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી કરવામાં આવશે.

કેટલાક સ્થળે અતિ ભારે વરસાદની આગાહી : સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પર એલર્ટ

અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વર્ષનું પ્રથમ લો પ્રેશર ચોવીસ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામા આવી છે. સંભવિત વાવાઝોડા ’તૌકતે’ની આગાહીના પગલે આગામી 16 થી 18 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.સંભવિત વાવાઝોડાના ખતરાને અનુલક્ષીને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામા આવ્યા છે. દરિયામાં ગયેલા માછીમારોને પરત ફરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો સાથે્ સંભવિત આફતને પહોંચી વળવા માટે ગુજરાતમાં એનડીઆરએફની 15 જેટલી ટીમ પણ સ્ટેન્ડ બાય રાખી દેવામા આવી છે.

દેશના મહાબંદર કંડલા ખાતે બે નંબરનું સિગ્નલ પોર્ટ ઓથોરિટી દ્વારા લગાવી દેવામાં આવ્યું છે. તેની સાથે લોકોને પણ સાવધાની લેવા માટેના નિયમોની સૂચિ જાહેર કરવામાં આવી રહી છે. ખેડૂતોને પણ પોતાનો પાક ખેતરના સ્થાને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના અપાઈ છે.કંડલા ઉપરાંત માંડવી બંદર પર હાલ એક નંબરનું સિગ્નલ લાગી ગયુ છે. તો તાલુકાના પાંચ ગામ દરિયા કિનારે આવતા હોવાથી સ્થળાંતર સહિતના આયોજન અંગે યોજના બનાવવામાં આવી રહી છે.દરમ્યાન, કચ્છના અબડાસા તાલુકામાં સ્થિત જખૌ બંદર વિસ્તારમાં સૌથી વધારે નુકશાની થવાની સંભાવના દર્શાવવામાં આવી છે ત્યારે આજ સાંજ સુધી જખૌ બંદર આસપાસ વસતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની સુચના આપી દેવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાને લઈને આગાહી

તૌકતે વાવાઝોડાને લઈને હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ તા.16મીએ સોમનાથમાં વરસાદ, 17મીએ સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે વરસાદ અને 40 થી 50 કિ.મી.એ પવન ફૂંકાવવા ઉપરાંત તા.18મીએ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થઈ છે અને દરિયામાં 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આ અંગેની વિગત એવી છે કે તૌકતે વાવાઝોડાને લઈને હવામાન ખાતાએ આગાહી કરી છે. આગામી 24 કલાકમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ તૌકતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધશે. જેને લઈને માછીમારોને સૂચના જાહેર કરાઈ છે કે દરિયો ખેડવા ન જવું. હવામાન ખાતાની આગાહી મુજબ સોમનાથમાં વરસાદ થશે. તા.17મીએ સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે વરસાદ પડી શકે છે. આ દિવસે પવન 40 થી 50 કિ.મી.ની ઝડપે ફૂંકાશે. તા.18મીએ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ દિવસે દરિયામાં 100 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો..

આ સમાચારને શેર કરો