Placeholder canvas

ચોટીલાના મેવાસાના ગ્રામજનોનો પીવાના પાણીનો માટેનો પોકાર… પણ કોઈ સાંભળતું નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં મેવાસા ગામના લોકોને છેલ્લા ત્રણેક મહિનાથી પીવાનું પાણી ન મળતા દેકારો બોલી ગયો છે. હજુ તો ચોમાસુ માંડ પુરૂ થયુ છે, ત્યાંજ પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે. ગામમાં વાસ્મો દ્વારા નાંખવામાં આવેલા નળમાં હજુ સુધી પાણી આવતું ન હોવાથી આ નળ શોભાના ગાંઠીયા જેવા બની ગયા છે. તંત્ર દ્વારા તાત્કાલીક પાણીની વ્યવસ્થા કરવામાં નહી આવે તો ગ્રામજનો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.

આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે, ઝાલાવાડનાં અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે, જ્યાં હજુ પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતુ નથી. ચોટીલા તાલુકાના મેવાસા ગામમાં છેલ્લા ત્રણેક મહિનાથી પાણી ન મળતા મહિલાઓ અને ગ્રામજનોમાં દેકારો બોલી ગયો છે. આશરે 2500થી 3000ની વસ્તી ધરાવતા આ ગામમાં 2200થી વધુ પશુધન છે. આ તમામને પીવાના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે.

વાસ્મો દ્વારા ત્રણ-ચાર મહિના પહેલા પાણીના નળ કનેકશન આપીને નળ ફીટ કરવામાં આવ્યા છે. પણ આ નળમાં હજુ સુધી પાણીનું એક ટીપુંય આવ્યુ નથી. કેટલીક જગ્યાએ તો પાણી આવે તે પહેલા નળ તૂટી પણ ગયા છે અને શોભાના ગાંઠીયા બનીને રહી ગયા છે. ત્રણેક મહિનાથી પાણી માટે મહિલાઓ રઝળપાટ કરતી જોવા મળે છે. અને દૂર દૂર સુધી પાણી ભરવા જવુ પડે છે. આ ગામના આશરે 2200 જેટલા પશુધનને પાણી પીવડાવવા પશુપાલકોને દૂર દૂરના વાડી વિસ્તારોમાં જઈ કેરબામાં પાણી ભરીને લાવવુ પડે છે. ગામમાં રહેતા એક સજ્જને પાણીનો બોર હોવાથી તેમણે ગ્રામજનો માટે બોર ખુલ્લો મુકી દીધો છે, પરંતુ ત્યાં પણ પાણી માટે ગીર્દી થાય છે. ગામના આગેવાન ભીખાભાઈ લઘરાભાઈ ફરિયાદ કરતા જણાવે છે કે, ગ્રામપંચાયત દ્વારા અનેકવાર રજુઆતો કરવામાં આવી છે. છતાં કોઈ પરિણામ મળ્યું નથી.

આ સમાચારને શેર કરો