skip to content

રાજકોટના કે.કે.વી સર્કલ પર ટ્રાફિક સિગ્નલ ખુલવાની રાહમાં ઊભેલી કાર અચાનક ભડભડ સળગી ઊઠી…

રાજકોટ : ઉનાળાની શરુઆતની સાથે જ રાજ્યમાં ખતરાની ઘંટી સમાન કિસ્સા સામે આવી રહ્યા છે. ગત અઠવાડિયે અમદાવાદમાં એક કાર સળગી હતી. જેમાં ચાલક જીવતો સળગી ગયો હતો. હવે રાજકોટમાં કાર સળગવાનો બનાવ બન્યો છે. રાજકોટના કાલાવડ રોડ પર આગનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના કે.કે.વી સર્કલ પાસે એક સફેદ કલરની કારનો ચાલક ટ્રાફિક સિગ્નલ ખુલવાની રાહ જોઈ રહ્યો હતો ત્યારે અચાનક કારની અંદરથી ધૂમાડો નીકળ્યો હતો.

સમય સૂચકતા વાપરીને કારનો ચાલક બહાર નીકળી ગયો હતો. કારમાંથી ધીમે ધીમે ધૂમાડા બાદ આગ વધુ પ્રસરતા કે.કે.વી સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ વહેલું ખોલવાની ફરજ પડી હતી. જેથી ટ્રાફિક સિગ્નલ પર ફસાયેલી તમામ કાર કે.કે.વી સર્કલ ક્રોસ કરી શકે.

બીજી તરફ કે.કે.વી સર્કલ પર તહેનાત વોર્ડન તેમજ ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓને જવાનોએ આગ લાગેલી કારની આજુબાજુનો વિસ્તાર કોર્ડન કર્યો હતો. સાથે જ ફાયર બ્રિગેડને જાણ પણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી લિક્વિડ ફોમનો મારો ચલાવ્યો હતો. જેથી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. અહીં લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિત ઉભી થઈ હતી.

આ સમાચારને શેર કરો