Placeholder canvas

રાજકોટ: હીરાસરના નવા એરપોર્ટ પર ફેબ્રુઆરીમાં ટેસ્ટિંગ ફલાઈટ

રાજકોટના વિવિધ પ્રોજેકટની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા: એરપોર્ટ, એઇમ્સ, અર્બન ફોરેસ્ટ, જનાના હોસ્પિટલના પ્રોજેકટનું કરાયું પ્રેઝન્ટેશન : ૨૦૨૩માં હિરાસર એરપોર્ટ શરૂ થઈ જશે: એઈમ્સમાં ડિસેમ્બર માસથી ઓપીડી શરૂ કરાશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેકટોની સમીક્ષા કરવા ગાંધીનગર ખાતે મીટિંગનું આયોજન કર્યું હતું અને તેમાં રજૂ કરાયેલી વિગત મુજબ આગામી ફેબ્રુઆરી માસમાં રાજકોટના નવા એરપોર્ટ પર ટેસ્ટિંગ ફલાઈટ આવશે તેવું આયોજન ફાઈનલ કરાયું છે.

એરપોર્ટનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે. કોરોનાના અને લોકડાઉનના કપરા સમયગાળામાં પણ આ કામ બધં રખાયું નથી. મજૂરોને સાઈટ પર જ રહેવા, ખાવા–પીવા અને આરોગ્ય સંબંધિત સેવાઓ પુરી પાડવામાં આવી હોવાથી આ પ્રોજેકટમાં વિલબં થવાની કોઈ શકયતા નથી અને ફેબ્રુઆરી–૨૦૨૨માં ટેસ્ટિંગ ફલાઈટ શરૂ કરાશે. ટેસ્ટિંગ ફલાઈટ થોડો સમય માટે ચાલુ રહેશે અને જે કોઈ ખામીઓ જણાશે તે દૂર કરવામાં આવશે. એરપોર્ટના ટર્મિનલના બાંધકામની કામગીરી શરૂ થઈ ગઈ છે. રન–વેનું ૬૦ ટકાથી વધુ કામ પુરું થઈ ગયું છે અને ૨૦૨૩ના પ્રારંભમાં એરપોર્ટ વિધિવત રીતે કાર્યરત થઈ જશે.

રાજકોટમાં બીજા મહત્વકાંક્ષી પ્રોજેકટમાં જેનો સમાવેશ થાય છે તેવા એઈમ્સના પ્રોજેકટ બાબતે એવી માહિતી પુરી પાડવામાં આવી હતી કે, આ પ્રોજેકટ પણ કોરોના અને લોકડાઉનમાં બધં રખાયો નથી અને તેના કારણે આગામી ડિસેમ્બર માસથી એઈમ્સની ઓપીડી શરૂ થઈ જશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રોજેકટના કામોના ઝડપી અમલીકરણ માટે ગાંધીનગર ખાતે રાજય સરકારના તેમજ રાજકોટના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઉચ્ચકક્ષાની બેઠક યોજાઈ હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટમાં તૈયાર થઈ રહેલા હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ, રાજકોટ, સ્માર્ટ સિટીના વિવિધકામો, અર્બન ફોરેસ્ટ તેમજ જનાના હોસ્પિટલના કામોની ટેન્ડર પ્રક્રિયા, વિવિધ મંજૂરીઓ સહિતની પ્રક્રિયા ઝડપી પૂર્ણ થાય અને લોકોને નવી સુવિધાઓનો લાભ મળે તેવા સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ હાલમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસકામો – પ્રોજેકટની વર્તમાન સ્થિતિ અંગે જિલ્લા કલેકટર અને મહાનગરપાલિકા કમિશનર દ્રારા વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજકોટના મેયર પ્રદિપભાઈ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, સ્ટેડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્રાજ તેમજ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ, નાગરિક ઉડ્ડયન સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, માર્ગ અને મકાન વિભાગના સચિવ વસાવા, સિંચાઈ વિભાગના સચિવ જાદવ, સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો