Placeholder canvas

રાજકોટ:સરકાર વારંવાર ‘ઉલ્લું’ બનાવતાં સોમવારથી સિવિલના નર્સિંગ સ્ટાફની હડતાલ

મેડિકલ (એલોપેથીક), આયુર્વેદિક, ડેન્ટલ, હોમિયોપેથિક અને ફિઝિયોથેરાપીસ્ટ સહિતના પ્રશ્ર્નોનો ઉકેલ લવાયો ત્યારે નર્સિંગ સ્ટાફનો શા માટે નહીં ?

રાજકોટ: કોરોનાકાળના 15 મહિના દરમિયાન ‘અડીખમ’ રહીને ફરજ બજાવનાર રાજ્યની સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને સરકારે વારંવાર ‘ઉલ્લું’ બનાવતાં ધીરજ ગુમાવી બેઠેલો સ્ટાફ સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનો નિર્ણય લેવાયો છે. નર્સિંગ સ્ટાફ સરકારના આ વલણથી એટલો રોષે ભરાયો છે કે હવે સરકાર તેની સામે ગમે તે કાર્યવાહી કરે તો પણ પીછેહઠ કરવા માટે તૈયાર નથી. નર્સિંગ સ્ટાફનું ચોખ્ખું કહેવું છે કે મેડિકલ (એલોપેથીક), આયુર્વેદિક, ડેન્ટલ, હોમિયોપેથિક અને ફિઝિયોથેરાપીસ્ટ સહિતના પ્રશ્ર્નોનો ઉકેલ લાવી દેવામાં આવ્યો ત્યારે નર્સિંગ સ્ટાફથી સરકારને શું સૂગ છે ?

આ અંગે યુનાઈટેડ નર્સિંગ ફોરમના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફને વર્ષોથી ગ્રેડ પે, ખાસ ભથ્થા, નર્સિંગ સ્ટુડન્ટસને ચૂકવાતાં સ્ટાઈપેન્ડમાં અન્યાય, આઉટ સોર્સથી થઈ રહેલી ભરતી, પગાર ધોરણના સ્લેબમાં અન્યાય, બદલી અને બઢતીમાં વિલંબ, સ્ટાફની તીવ્ર અછત સહિતના પ્રશ્ર્ને રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી.

નર્સિસને કોરોના વોરિયરનું બિરુદ આપી તેઓનું માત્ર શોષણ જ કરવામાં આવી રહ્યું છે જે અત્યંત દુ:ખદ બાબત છે. આ અંગે રાજ્યના દરેક જિલ્લામાં કાર્યરત યુનાઈટેડ નર્સિંસ ફોરમના પ્રતિનધિઓની ગાંધીનગરમાં એક બેઠક મળી હતી તેમાં એવો નિર્ણય લેવાયો હતો કે જ્યાં સુધી સરકાર તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ ન લાવે ત્યાં સુધી હડતાલ પાડવામાં આવશે. હડતાલ પાડ્યા બાદ સરકાર કાયદેસરની કાર્યવાહી કરે તો પણ કોઈ પીછેહઠ કરશે નહીં અને છેવટ સુધી લડત આપશે.

આ હડતાલમાં રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે સરકાર સંચાલિત હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો અને નર્સિંગ શૈક્ષણિક સંસ્થાઓના અધિકારીઓ જોડાશે. આ પહેલાં 18-5-2021ના રોજ નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાલ પાડવામાં આવી હતી ત્યારે આરોગ્ય વિભાગના અગ્રસચિવ અને આરોગ્ય કમિશનરે એવી હૈયાધારણા આપી હતી કે 10 દિવસમાં તેમના તમામ પ્રશ્ર્નો ઉકેલાઈ જશે પરંતુ હજુ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી જેના કારણે તા.14-6-2021ને સોમવારથી સમગ્ર કેડરના નર્સિંસ અચોક્ક્સ મુદતની હડતાલ પર જશે અને તેના કારણે ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે સરકાર જવાબદાર ગણાશે.

આ સમાચારને શેર કરો