મોરબી જિલ્લામાં કલમ 144 લાગુ: અધિક જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું…

સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવનરાઓ ઉપર કરાશે કાર્યવાહી

મોરબી : કોરોનાના કારણે ઘણા શહેરો અને જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ અધિક જિલ્લા કલેકટર કેતન જોશીએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને તા.31માર્ચ સુધી કલમ 144 લાગુ કરી દીધી છે. ઉપરાંત પોલીસે પણ વધુ લોકો ભેગા ન થાય તે માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યા બાદ ભારતમાં અને ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે. ભીડના કારણે કોરોનાનું જોખમ વધુ જણાતું હોય જેથી તંત્ર ભીડ ન થાય તે માટે પ્રયાસો કરી રહ્યું છે. જે સંદર્ભે અધિક જિલ્લા કલેકટર કેતન જોશીએ આજે સાંજે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જિલ્લામાં કલમ 144 લાગુ કરી છે. જેથી હવે કોઈ પણ વ્યક્તિ સભા, સરઘસ, મેળાવડા કે વિશાળ સંખ્યમાં લોકો ઉપસ્થિત રહે તેવા પ્રસંગો પરવાનગી વગર યોજી શકશે નહીં.

ઉપરાંત મોલ, મલ્ટીપ્લેક્ષ, સિનેમા, નાટ્યગૃહો જેવા સ્થળો કે જ્યાં ભીડ એકત્ર થતી હોય તેવા સ્થળો જાહેર જનતા માટે બંધ રહેશે. મોલમાં આવેલ કરીયાણું તથા દવાની દુકાનો ખુલ્લી રાખવાની રહેશે. જિમ, સ્પોર્ટ, કોમ્પ્લેક્ષ, સ્વિમિંગ પુલ, કલાસીસ, ગેઇમ ઝોન, કલબ હાઉસ, લાયબ્રેરી જેવા સ્થળો બંધ રાખવાના રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યૂશન કલાસીસ વગેરે બંધ રાખવાના રહેશે. તમામ હોટેલોઝ રેસ્ટોરન્ટ, ખાણી- પીણીના સ્થળો તેમજ ફરસાણની દુકાનો, ભોજનાલયો ઉપરાંત ખાનગી જગ્યાઓ કે જયાં ભીડ એકત્ર થતી હોય તે બંધ રાખબાના રહેશે.

કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઇ પણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. જિલ્લાની કચેરીઓમાં આવેલ તમામ જન સેવા કેન્દ્રો બંધ રાખવાના રહેશે. સરકારી કચેરીમાં આવતા મુલાકાતીઓનો પ્રવેશ અટકાવવાનું જાહેર કરવામાં આવ્યું છે. ઇમરજન્સી કિસ્સાઓમાં જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. અંતમાં અધિક કલેકટરે જાહેરનામમાં જણાવ્યું છે કે જો કોઈ મુસાફર કોરોનાગ્રસ્ત દેશમાંથી છેલ્લા 14 દિવસમાં પરત આવ્યા હોય તો તેઓને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે કાર્યરત કંટ્રોલરૂમ ફોન નંબર +911123978046 અથવા હેલ્પલાઇન નંબર 104 ઉપર ફરજિયાત જાણકારી આપવાની રહેશે.

આ સમાચારને શેર કરો