Placeholder canvas

રાજકોટ ભગવાન ભરોસે: 31નાં મોત

રાજકોટ કોરોનાની ભયાનક લપેટમાં આવી ગયું જ છે. દૈનિક કેસોની સાથોસાથ તે ખતરનાક સ્તરે જીવલેણ બની ગયો હોય તેમ આજે એક જ દિવસમાં 31 લોકોના મોત નિપજયાનું સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. બિનસતાવાર મૃત્યુઆંક બે દિવસનો 120થી વધુ છે. ભયાનક હાલત વચ્ચે વહીવટી તથા મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર- સુવિધા વેરવિખેર થવા લાગ્યાનું ચિત્ર છે. ઓડીટોરીયમને કોવિડ હોસ્પીટલમાં ફેરવવાની ફરજ પડી છે. માસ્ક અને આરટી-પીસીઆર ટેસ્ટીંગમાં નિર્ધારિત કરતા વધુ ભાવ લઈને કાળાબજાર શરૂ થયા છે. કોરોના દર્દી માટેના બે મુખ્ય ઈન્જેકશનો કયાંય મળતા નથી. સરકારી દાવા પણ બૂમરેંગ સાબીત થઈ રહ્યા છે. રેપીડ ટેસ્ટ માટે પણ કતારો લાગતા ત્રણ-ત્રણ કલાકે વારો આવતો હોવાનું ચિત્ર છે. આ સંજોગોમાં 104 સેવા તથા ધન્વંતરી રથ તો કયાંય પહોંચી ન શકે તેવી હાલત છે.

રાજકોટમાં કોરોના વધુને વધુ જીવલેણ બનતો રહ્યો હોય તેમ આજે 31 દર્દીઓના મોત નિપજયા હતા. ગઈકાલે 24 લોકોએ જાન ગુમાવ્યા હતા. આઘાતજનક બાબત એ છે કે ગઈકાલના 24માંથી માત્ર પાંચ મોત જ કોવિડને કારણે થયાનું જાહેર કરવામાં આવ્યું છે. કોરોના તથા તેના મોતના આંકડા છુપાવવાનો ખેલ યથાવત જ હોવાના નિર્દેશ છે. રાજકોટમાં ગઈકાલે 395 કેસ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવમાં તે આંકડો 1500થી વધુનો હતો. એટલું જ નહીં સોમ-મંગળવારે પણ 1500થી વધુ કેસ હતા. આ જ રીતે મૃત્યુઆંક પણ જાહેર થાય છે તેના કરતા બે ગણા કરતા પણ વધુ ગણાવાય છે. બે દિવસનો બીનસતાવાર મૃત્યુઆંક 125થી પણ વધુ છે.

રાજકોટમાં કોરોના હાલત બેકાબૂ બની ગઈ છે. શહેરમાં ચારેકોર કોરોના કેસનો રાફડો છે. એકપણ વિસ્તાર કે સોસાયટી એવી નથી જયાં કોરોનાનું સંક્રમણ ન હોય માહિતગાર સૂત્રોએ એમ કહ્યું કે ભલે સતાવાર કેસ 400 આસપાસ જાહેર થતા હોય વાસ્તવિક આંકડો 1500થી વધુ છે. સોમવારથી દરરોજ 1500-1500થી વધુ કેસ થઈ રહ્યા છે. ખાનગી કે સરકારી હોસ્પીટલો હાઉસફુલ થઈ ગઈ છે તે પાછળનું આ બેફામ કેસોનું જ કારણ છે.

હોસ્પીટલોમાં બેડ ખુટી પડયા હોવાને કારણે તંત્રને રાતોરાત નવી સુવિધા ઉભી કરવાની ફરજ પડી છે. યુનિવર્સિટી રોડ પરના અમૃત ઘાયલ એસી ઓડીટોરીયમને કોવિડ હોસ્પીટલમાં ફેરવવાનો નિર્ણય કરાયો છે તેના પરથી જ વાસ્તવિકતાનો પુરાવો મળી જાય છે. હોસ્પીટલોની જેમ ટેસ્ટીંગ સેવા પણ અસ્તવ્યસ્ત બની છે. નવા ટેસ્ટીંગ બુથો શરૂ કરવામાં આવવા છતાં લોકોની લાઈનો છે અને અમુક બૂથમાં તો ત્રણ-ત્રણ કલાકે વારો આવવાની હાલત હતી.

ખાનગી લેબમાં આરટી-પીસીઆર ટેસ્ટને લાગેવળગે છે ત્યાં સુધી લેબોરેટરીઓ હાંફી ગઈ છે. 72 કલાક સુધી રીપોર્ટ મળતા નથી જ. હવે ભાવ પણ વધારી દેવાયા છે. 800ના નિયત ભાવ સામે 1100 લેવાય રહ્યા છે જયારે ઘેરથી કલેકશનના 1100ને બદલે 1500 પડાવવામાં આવી રહ્યાની ફરિયાદો ઉઠી છે. ત્રણ લેબોરેટરી દ્વારા તો પર્યાપ્ત સ્ટાફ ન હોવાનું કારણ આગળ ધરીને નવા ટેસ્ટીંગ બંધ કરી દેવામાં આવ્યા છે.

માસ્કના પર કાળાબજાર થવા લાગ્યા છે. બે રૂપિયાના થ્રી-લેયર માસ્કના 5થી10 રૂપિયા પડાવાય છે. 1 રૂપિયામાં અમૂલ પાર્લરથી માસ્ક આપવાના સરકારના દાવા બોગસ પુરવાર થયા હોય તેમ કોઈ પાર્લરમાં સરકાર તરફથી માસ્ક જ અપાયા નથી. વહીવટી તથા મેડીકલ સુવિધા ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા અસ્તવ્યસ્ત બની હોવાનું ચિત્ર ઉપસતુ રહ્યું છે ત્યારે રાજકોટના વેપારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું એટલું જ નહીં બે-પાંચ દિવસનું લોકડાઉન જાહેર કરવા માંગ દોહરાવી હતી. રાજય સરકાર લોકડાઉન જાહેર ન કરે તો તમામ સંગઠનોને સાથે રાખીને સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય કરવાનું બે દિવસનું અલ્ટીમેટમ આપ્યુ હતું.

આ સમાચારને શેર કરો