રાજકોટ: NSUIને પોલિસે આંદોલન કરવા ન દીધુ..! 9 કાર્યકરોની કરી અટક
રાજકોટ: બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતીના મુદ્દે ઉમેદવારો અને વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં થયેલા ઉગ્ર આંદોલનના મંડાણ બાદ રાજય સરકાર દ્વારા ‘સીટ’ (CIT)ની રચના કરાયેલ છે.
પરંતુ આ ભરતી પ્રક્રિયા રદ્દ કરવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા અગાઉ કોલેજ બંધના અપાયેલા એલાન પછી પણ હજૂ આ અંગે કોઈપણ જાતની કાર્યવાહી હાથ નહીં ધરાતા એનએસયુઆઈ દ્વારા આજે ત્રિકોણબાગ ખાતે આંદોલનનો કાર્યક્રમ બપોરના આયોજિત કરવામાં આવ્યો હતો.
પરંતુ એનએસયુઆઈ આ કાર્યક્રમ યોજે તે પહેલા જ એનએસયુઆઈના હોદ્દેદારો નરેન્દ્ર સોલંકી (પ્રમુખ), અભિરાજ તલાટીયા, યજ્ઞેશ દવે, દેવેન્દ્રસિંહ, મોહિલ ડવ, કાના ભરવાડ, હરવિજયસિંહ વાળા, દર્શન આહિર સહિતના આ નવ કાર્યકરોને પોલીસે ઉપાડી લીધા હતા.
આ અંગે નરેન્દ્ર સોલંકી તથા રોહિત રાજપુતે જણાવેલ કે રાજયભરમાંથી 10 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી એન.એસ.યુ.આઈ. દ્વારા આ લડત ચાલુ રાખવામાં આવશે.