Placeholder canvas

રાજકોટ: મેયરે ઢોર પકડવા SRPની ટુકડી ઉતારી ! નિવૃત્ત આર્મીમેનના બનાવમાં FIR

રાજકોટ : ભોમેશ્વર વિસ્તારમાં શ્રમજીવી સોસાયટીમાં રખડતા ઢોરે એક્સ આર્મીમેન નવલસિંહ ઝાલા અને તેમની પૌત્રીને ઢીંકે ચડાવ્યા હતા જેમાં નવલસિંહને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. માત્ર દોઢ જ મહિનામાં ઢોરની ઢીંકનો બીજો ગંભીર બનાવ બનતા મનપા એ ભોમેશ્વર વિસ્તારમાં ઢોર પકડ ઝુંબેશ સજ્જડ બનાવી છે. ત્યારે આ મામલે રાજકોટ મનપાના મેયર ડો.પ્રદીપ ડવે મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં અજાણ્યા પશુ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આવો બનાવ બીજીવાર ન બને તે માટે હવે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઢોર પકડવા માટે SRPની ટુકડી ફાળવવામાં આવી છે.

ઢોર પકડ પાર્ટી પર થોડા સમય પહેલા જલદ સ્પ્રેથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સ્ટાફ સાથે SRPની સુરક્ષા આપવામાં આવી હતી. જો કે ચૂંટણી આવતા જ તે બંદોબસ્ત પાછો ખેંચાયો હતો અને ચૂંટણી બાદ પણ અપાયો ન હતો. ભોમેશ્વરમાં બનેલી ઘટના બાદ તુરંત જ SRP પાસે સુરક્ષા માંગવામાં આવી હતી જેથી તાત્કાલિક જવાનો તૈનાત કરાયા હતા. હવે જે પણ વાહનો ઢોર પકડ પાર્ટીની રેકી કરતા હશે તેને SRP અટકાવશે અને બાદમાં પોલીસને સોંપશે. પોલીસ આ મામલે વાહન ડિટેન કરવા સુધીની કાર્યવાહી કરશે અને જો કોઇએ ઈરાદાપૂર્વક ઢોર પકડ પાર્ટીને અટકાવવાનો પ્રયાસ કર્યો તો તેને સીધા પોલીસ સ્ટેશન લઈ જવાશે.

આ સમાચારને શેર કરો