Placeholder canvas

ભાજપના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ ઝીંઝરીયાના ભત્રીજાને પોલીસે માર માર્યાનો આક્ષેપ

રાજકોટ : ભાજપના પૂર્વ ધારાસભ્ય પોપટ ઝીંઝરીયાના ભત્રીજાને પોલીસે માર માર્યાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે. દારૂના કેસમાં લક્ષ્મણ ઝીંઝરીયાનું નામ ખુલતા આજીડેમ પોલીસનો સ્ટાફ તેને પકડવા બેડલા ગામે ગઈ ત્યારે ઘટના બન્યાના આરોપ છે. પૂર્વ ધારાસભ્યના ભત્રીજાએ સિવિલમાં સારવાર લીધી હતી. પોલીસ પકડવા ગયા ત્યારે સ્ટાફને જોઈ લક્ષ્મણ ભાગી ગયો હોય ત્યારે પડી જતા ઇજા થયાનો પોલીસે બચાવ કર્યો છે.

હોસ્પિટલમાં દાખલ હોવાની જાણ થતાં સારવાર બાદ લક્ષ્મણની અટકાયત કરાઈ છે. હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે લક્ષ્મણ શામજીભાઈ ઝીંઝરીયા (ઉં.વ.22)એ આક્ષેપ કરેલો કે તે ગામમાં બેઠો હતો, ત્યારે ચાર પોલીસમેન ખાનગી ડ્રેસમાં આવી કારમાં ઉઠાવી જઈ અલગ – અલગ જગ્યાએ લઈ ઢોર માર માર્યો હતો.

જ્યારે આજીડેમ પોલીસના જણાવ્યા મુજબ ગઈકાલે તા.19ના રોજ સાંજે સાતેક વાગ્યા આસપાસ માલધારી ફાટક પાસેથી રમજાન નૂરમામદ સમા (ઉ.વ.21, રહે. નુરાનીપરા, શેરી નં.6, કોઠારીયા સોલ્વન્ટ, મૂળ ત્રંબા)નામનો શખ્સ દારૂની 6 બોટલ સાથે ઝડપાયો હતો. પોલીસે રૂ.2400 નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીની પૂછપરછ કરતા તેમણે લક્ષ્મણ અને વિશાલનું નામ આપ્યું હતું. બન્ને શખ્સ દારૂના વેચાણમાં હેરાફેરીમાં હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસ તેને પકડવા ગઈ હતી ત્યારે લક્ષ્મણ નાસી ગયો હતો અને નાસતી વેળાએ પડી ગયો હોવાનો પોલીસે બચાવ કર્યો છે.

લક્ષમણ સિવિલ હોસ્પિટલમાં દાખલ હોવાની જાણ થતાં જ આજીડેમ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને સારવાર થઈ ગયા બાદ લક્ષ્મણ ઝીંઝરીયાની અટકાયત કરી આજીડેમ પોલીસ મથકે લઈ જવાયો હતો. જ્યારે બીજો શખ્સ વિશાલને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ તરફ પૂર્વ ધારાસભ્યના ભત્રીજાની અટકાયત થતા ભારે ચર્ચા મુદ્દો બની ગયો છે.

આ સમાચારને શેર કરો