મોરબી: ડૉક્ટરનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, અમદાવાદ ફરજ પર હતા.
મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાનો 13મો કેસ નોંધાયો છે. જેમાં કોરોના વોરિયર એવા તબીબને જ કોરોના થયું હોવાનું સામે આવ્યું છે. આ તબીબ અમદાવાદ ફરજ પર ગયા બાદ ત્યાંથી આવ્યા પછી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી જિલ્લામાં આજે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં કોરોનાનો કહેર સૌથી વધુ છે. જેથી તમામ શહેરોમાંથી ત્યાં તબીબો તથા મેડિકલ ટીમોને સેવા માટે મોકલવામાં આવી રહી છે. આમ જ મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા એક તબીબને પણ અમદાવાદમાં સેવા માટે મોકલવામાં આવ્યા હતા.
આ તબીબ અમદાવાદમાં ફરજ બજાવ્યા બાદ મોરબી પરત ફર્યા હતા. અહીં તેઓનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. આ તબીબને મયુર હોસ્પિટલમાં આઇસોલશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. અને તેઓની તબિયત સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કરાતા તેઓએ વિગતો જાહેર કરવાની ના પાડી હતી. જો કે સૂત્રોમાંથી આ અંગે વિગતો મળી છે. જે મુજબ આ તબીબ મોરબી તાલુકાના પીએચસી સેન્ટરના ડો. સંજય જીવાણી હોવાનું માલુમ પડ્યું છે.
મળતી માહિતી પ્રમાણે જિલ્લા પંચાયતના આ તબીબ જ્યારે અમદાવાદથી આવ્યા ત્યારે તેઓને ક્વોરોન્ટાઇ કરીને અલગ રખાયા હતા. માટે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવા સહિતની કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહિ.