ફરી પાછો વરસાદ આવે છે..! ક્યાં અને ક્યારે?જાણવા માટે વાંચો…
હજુ થોડા દિવસ પહેલા ગુજરાતમાં થયેલાં કમોસમી વરસાદનાં પગલે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. જેથી તાપમાનનાં પારામાં ઘટાડો થવાનાં પગલે દિનપ્રતિદિન ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. હિમવર્ષાના પગલે શીત લહેરો ફુંકાવાના કારણે ભારે ઠંડી પડતા વાતાવરણમાં લોકો ઠુંઠવાયા હતાં. પરંતુ હવે હવામાન વિભાગે આગાહી કરે છે કે, આજથી પવનની દિશા બદલાતા ઠંડીમાં આંશિક ઘટાડો થશે. આ સાથે આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. 23મી ડિસમ્બરનાં રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેના કારણે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે.
હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે, 23 ડિસેમ્બરનાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે. આજથી પવનની દિશા બદલાઇને દક્ષિણ – પશ્ચિમનાં પવન ફૂંકાશે. પવનની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ ઘટશે. મહત્વનું છે કે, આજે નલિયાનું લઘુતમ તાપમાન 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજકોટમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીનો પારો 15.4 ડિગ્રી હતો અને ગઇકાલે 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 18 દિવસમાં 5 ડિગ્રીથી વધુ તાપમાન નીચું જતા રાજકોટ ઠંડુંગાર બની ગયું હતું. જ્યારે ગિરનાર પર્વત પર તાપમાનનો પારો 7.6 ડિગ્રીએ પહોંચ્યો હતો.