નિર્દોષ વિદ્યાર્થીઓને પોલીસે દોડાવ્યા, બચવા માટે સીવિલ હોસ્પિટલમાં ઘૂસ્યા
હાલમાં ગુજરાતભરના વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં પોતાના હક્કની લડાઇ લડી રહ્યાં છે. લાખોની સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓની હક્કની લડાઇ સંઘર્ષમય બની ગઇ છે. નિર્દોષ વિદ્યાર્થીઓ એકદમ શાંતિપૂર્વક પ્રદર્શન કરવા માટે આવ્યા હતા પરંતુ પોલીસે તેમના પ્રદર્શનને નિષ્ફળ બનાવવા માટે સવારથી જ વિદ્યાર્થીઓને ડિટેન કરવાનું શરૂ કરી દેતા તેમનો રોષ વધી ગયો હતો.
શાંતિપૂર્વક પ્રદર્શન કરવા માટે આવેલા વિદ્યાર્થીઓની પોલીસે વહેલી સવારથી જ ધરપકડ શરૂ કરી દીધી હતી. તે ઉપરાંત વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવાના પણ બનાવો સામે આવી રહ્યાં છે. તેવામાં મળી રહેલા સમચાર અનુસાર ક્લાસિસ જઇ રહેલા વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવા માટે પોલીસે દોડ લગાવી હતી. પોલીસને આવતી જોઇને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો, જેથી તેઓ પોતાના રક્ષણ અર્થે દોડ મૂકી હતી. ડરી ગયેલા વિદ્યાર્થીઓ પોતાની સુરક્ષા માટે સીવિલ હોસ્પિટલમાં જઇને ઘૂસી ગયા હતા, તો કેટલાક વિદ્યાર્થીઓ મોટી-મોટી દિવાલો કૂદીને પોતાની જાતની રક્ષા કરી હતી.
આમ નિર્દોષ વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા ડરનો માહોલ ઉભો કરીને દોડાવવામાં આવી રહ્યાં છે અને તેમના આંદોલન ઉપર પાણી ફેરવી નાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. જો કે, સરકારના ઈશારે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ બધી જ કામગીરી પર વિદ્યાર્થીઓએ જીત મેળવી છે. વિદ્યાર્થીઓના આંદોલનને લઇને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાને પ્રેસ કોન્ફ્રન્સ કરીને સચિવાયલની પરીક્ષામાં થયેલી ચોરી બાબતે બે દિવસમાં એક્શન લેવાનો દિવાસો આપ્યો છે પરંતુ હવે કેટલા અંશે યોગ્ય કાર્યવાહી થાય છે તે આવનાર સમય જ બતાવી શકે છે.