Placeholder canvas

રાજકોટમાં વિકાસનાં પોપડાં ખર્યાં: 90 કરોડમાં બનેલો ગોંડલ ચોકડીનો બ્રિજ ખોખલો પડ્યો…

રાજકોટ: ગોંડલ ચોકડી પર ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. રૂ.90 કરોડના ખર્ચે નિર્મિત આ બ્રિજનું લોકાર્પણ પણ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે 3 મહિના પહેલાં કર્યું હતું. એ વખતે રાજકોટિયન્સ અને ખાસ કરીને સ્થાનિક પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ રૂ.90 કરોડના ખર્ચે બનેલો બ્રિજ પૂરા 90 દિવસ પણ માંડ ટક્યો હોય ત્યાં આજે તો વિકાસનાં પોપડાં ખરવા લાગ્યાં. એ હદે બ્રિજ ખોખલો થઈ ગયો કે હવે સ્થાનિકો બ્રિજ નીચેથી પસાર થવામાં પણ ભય અનુભવે છે. 

આ બ્રિજના ઉપરના ભાગે જે સેફ્ટી વોલ બનાવવામાં આવી છે એમાં તિરાડ અને મસમોટું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. ગાબડું પડવાને લીધે અંદાજે 30 કિલો જેવડો સિમેન્ટનો માંચડો હવામાં લટકી રહ્યો છે. હવામાં લટકતો આ માંચડો નીચે પડે તો ગંભીર અકસ્માત થાય તેવી પૂરતી શક્યતા હોવા છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું સ્થાનિકોએ પત્રકારોને જણાવ્યું હતું.

ત્રણેક મહિના અગાઉ બ્રિજનું ઉદઘાટન થયા બાદ આ ગાબડું આમ જ મૂકીને ચાલ્યા ગયા હતા. અત્યારે એમાંથી 30 ટકા કરતાં વધુ ભાગ ખરી ગયો છે. બાકીનો ભાગ જોખમી રીતે લટકી રહ્યો છે. તાજેતરમાં જ એક ભાગ નીચે પડ્યો હતો. જોકે ત્યારે કોઈ હાજર નહીં હોવાથી માત્ર કારના કાચનો કડુસલો બોલી ગયો હતો. બીજી કોઈ મોટી નુકસાની થઈ નથી. ઊંચાઈવાળો બ્રિજ હોવાથી ગાબડું નીચે પડે તો કોઈને ઇજા થવાની પૂરતી સંભાવના હોઈ, ત્વરિત આ અંગે કામગીરી કરવી જરૂરી છે.

આ સમાચારને શેર કરો