લોકોનો કોરોના ટેસ્ટ સરકારે ફરજિયાત કરવો પડશે : હાઈકોર્ટ

કોરોના મહામારીનો સામનો સમગ્ર દેશ કરી રહ્યો છે જેમાં ગુજરાતની સ્થિતિને લઈને ચિંતા કેન્દ્રને પણ થઈ છે. આવામાં રાજ્ય સરકારની કામગીરી પર વિપક્ષ સહિત નાગિરકોએ પણ સવાલ ઉઠાવ્યાં છે. જેના પગલે કોરોનાની સરકારની કામગીરીને લઈને મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે. જેના પગલે હાલમાં જ હાઈકોર્ટે 76 પાનાનું પોતાનું અવલોકન આપ્યું હતું. આ અવલોકનમાં સૌથી મહત્વની વાત કોરોના ટેસ્ટિંગને લઈને ટાંકવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટે કોવિડના ટેસ્ટિંગ મુદ્દે ગુજરાત સરકારને મહત્વનો નિર્દેશ આપતા જણાવ્યું હતું કે તમામ લોકોને કોવિડ ટેસ્ટની પરવાનગી આપવી ફરજિયાત છે. તદુપરાંત આ કેટેગરીના લોકોનું ટેસ્ટિંગ સરકારે ફરજિયાત કરવું જ પડશે. આ કેટેગરીમાં

1, જે લોકો કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા છે અને તેઓ ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટ કરાવવા ઈચ્છે છે

2, હોસ્પિટલમાં દાખલ થયેલા, હોસ્પિટલથી પાછા ફરેલા અથવા મૃત્યુ પામેલા પોઝિટિવ દર્દીઓના પરિવારના સભ્યો

3, જે દર્દીઓ પાસે ડોક્ટરનું લેખિતમાં પ્રિસ્ક્રિપ્શન છે.

હાઈકોર્ટના નિર્દેશ

ટેસ્ટિંગ કરાવવું એ નાગરિકોનો પ્રાથમિક અધિકાર

નોંધનીય છે કે સરકાર સામે થયેલા સૂઓ મોટો અને PILની સુનાવણી દરમિયાન સરકાર સામેની દલીલો હાઇકોર્ટે ધ્યાનમાં લીધી હતી અને ટેસ્ટિંગ કરાવવું એ નાગરિકોનો પ્રાથમિક અધિકાર છે અને તેની ઉપર લગાવેલ નિયંત્રણોને હળવા કરવા તરફ નિર્દેશ કર્યો હતો.

થોડા સમય પહેલા ગુજરાત સરકારે હાઇકોર્ટને કહ્યું હતું કે ICMRની ગાઇડલાઇન્સ પ્રમાણે જ પોતાનું ટેસ્ટિંગ ઘટાડ્યું છે. હાઇકોર્ટે ICMRને પણ તેમની ટેસ્ટિંગ ગાઇડલાઇન્સ ઉપર કે વિગતવાર અહેવાલ માંગ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકારને પણ પ્રશ્ન પૂછ્યો હતો કે ICMRની ગાઈડલાઈન્સનો દર્દીઓના ફાયદા માટે કેમ ઉપયોગ ન કરી શકાય?

ટેસ્ટિંગ ગાઇડલાઇન્સ હળવી કરો

આ ડિવિઝન બેન્ચ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાળાના વડપણ હેઠળ ચલાવવામાં આવી હતી. તેમણે રવિવારે આદેશ આપતા કહ્યું હતું કે જે લોકોને ઇમર્જન્સીમાં મેડિકલ સેવાની જરૂરિયાત હોય તે લોકોને અમદાવાદ GMERSની કે જિલ્લા આરોગ્ય અધિકારીના એપ્રુવલની જરૂર નહીં રહે. તેમને તરત કોવિડનો ટેસ્ટ કરાવી આપવામાં આવશે. તેમણે કહ્યું કે ટેસ્ટિંગ કોઈ પ્રકારના વિલંબ વગર કરી આપવામાં આવશે અને ફક્ત જે તે અધિકારીઓને જાણ કરવાની જરૂર રહે છે.”જે દર્દીઓને તાત્કાલિક મેડિકલ પ્રોસિજર કે સર્જરી કરવાની જરૂર હોય તેમને કોઈ પરમિશન મેળવવાની જરૂર રહેશે અને ડોક્ટરની રિકવેસ્ટ ઉપર 24 કલાકમાં તેમનો કોવિડ 19નો ટેસ્ટ કરી દેવામાં આવશે.” હાઈકોર્ટે આ પ્રમાણે ટિપ્પણી કરી હતી. નોંધનીય છે કે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડોકટરોએ પણ સરકારની ટેસ્ટિંગ પોલિસીનો વિરોધ કરીને જો તે નહીં બદલવામાં આવે તો હડતાળ ઉપર જવાની ચીમકી આપી હતી.

હાઇકોર્ટે ICMRની ટીકા કરી

ICMRની ગાઇડલાઇન્સની ઝાટકણી કાઢતા હાઇકોર્ટે પૂછ્યું કે આ ગાઇડલાઇન્સની પાછળ શું તર્ક છે? ગાઇડલાઇન્સ રાજ્ય સરકારો માટે કેટલા અંશે ફરજીયાત છે કે નહીં તે અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો. આ ઉપરાંત ખાનગી લેબને ટેસ્ટિંગની સુવિધા આપવા એપ્રુવ કર્યા બાદ ટેસ્ટિંગ માટે સરકારની પરવાનગી કેમ લેવી પડે છે તે હેતુ અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો.

રાજ્ય સરકારની તંત્રને સુચના: 1 થી 2 કલાકમાં ટેસ્ટ એપ્રુવ થયો છે કે રીજેક્ટ તેની જાણકારી આપવી પડશે.

સરકારે સોલા સિવિલને પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવાની આવતી રિકવેસ્ટને 1-2 કલાકમાં જ મંજૂરી આપી દેવાનો આદેશ આપ્યો છે. COVID-19ના દર્દીના નિદાન અંગે લેબોરેટેરી ટેસ્ટની મંજૂરી આપવા બાબતે આરોગ્ય અધિક નિયામક ડો. પ્રકાશ વાઘેલાએ આદેશ આપ્યા હતા. જેમાં રીતસર આ અંગે એકાદ બે ક્લાકમાં જ જવાબ આપી દેવો અને સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ રિપોર્ટના ડેટા તૈયાર કરી લેવા અંગે ટકોર કરતો સરક્યુલર જાહેર કર્યો છે. અમદાવાદમાં ખાનગી લેબોરેટરીમાંથી આવેલા સેમ્પલને ઝડપથી મંજૂરી આપી દેવી અને તેનું સમયસર રિપોર્ટિંગ કરવું તેવા આદેશ અધિક નિયામકે આપ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો