Placeholder canvas

લે બોલ,વિદેશથી આવેલા 7 જણાને સતત 8 દિવસ કેળા ખવડાવી પેટમાંથી કઢાયું 1.28 કરોડનું સોનું

સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે અન તેના કારણે તેનું સ્મગલિંગ પણ વધી ગયું છે. વિદેશમાંથી ખાસ કરીને આરબ દેશોમાંથી ભારતમાં ગેરકાયદે સોનું ઘૂસાડવા માટે લોકો એવી-એવી તરકીબો અજમાવે છે કે કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે. ગત 22 જાન્યુઆરીએ પણ ચેન્નઈ એરપોર્ટ પર આવો જ એક કિસ્સો સામે આવ્યો. જેમાં અમીરાતની ફ્લાઈટ અને એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા કુલ 7 મુસાફરો સોનું સંતાડીને લાવતા ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી કસ્ટમે જે રીતે સોનું મેળવ્યું તે ઘણું જ ચોંકાવનારું છે. કસ્ટમના અધિકારીઓએ તેમને સતત 8 દિવસ સુધી કેળા ખવડાવી આ સોનું મેળવ્યું હતું.

ગત 22 જાન્યુઆરીએ ચેન્નઈ એરપોર્ટ પર આવેલી અમીરાતની ફ્લાઈટ અને એર અરેબિયાની ફ્લાઈટમાં દુબઈ અને શારજહાંથી ઉતરેલા કુલ 8 મુસાફરોને કસ્ટમ ઓફિસરોએ શંકાના આધારે રોક્યા હતા. તેમાંથી સાતના પેટમાં ગોલ્ડ કેપ્સૂલ હોવાનું ખૂલ્યું હતું. આ સાતેય જણાએ દુબઈ તેમજ શારજહાંથી નીકળતા પહેલા કોલ્ડ ડ્રિંકની સાથે આ ગોલ્ડ કેપ્સૂલ ગળી ગયા હતા. જોકે, તેમની આ ચાલાકી પકડાઈ ગઈ હતી.

કસ્ટમના અધિકારીઓએ આ કેપ્સૂલ તેમના પેટમાંથી બહાર કાઢવા આ સાતેય જણાને સતત આઠ દિવસ સુધી કેળા ખવડાવ્યા હતા. આ લોકો જે ગોલ્ડ કેપ્સૂલ ગળી ગયા હતા તે 1.1થી 1.7 સેમીની હતી અને તેનું વજન 15થી 24 ગ્રામ હતું. આ શખસોના પેટમાંથી કુલ 161 જેટલી કેપ્સૂલ નીકળી હોવાનું જણાવાઈ રહ્યું છે. જેની કિંમત 1.28 કરોડ રૂપિયા જેટલી થતી હોવાનું કસ્ટમના અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત આ લોકો પાસેથી 386 ગ્રામના 12 બિસ્કિટ અને 74 ગ્રામ વજનનની સોનાની ચેન પણ અધિકારીઓએ જપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ અન્ય એક મામલામાં ચેન્નઈ એરપોર્ટ પરથી જ એક પ્રવાસી પાસેથી 310 ગ્રામ વજનની સોનાની પેસ્ટના ત્રણ બંડલ મળી આવ્યા હતા. આ ઉપરાંત ઓક્ટોબર 2020માં પણ ચેન્નઈ કસ્ટમ એર ઈન્ટેલિજન્સ યુનિટે 14 મુસાફરો પાસેથી 1.48 કરોડથી વધુ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું.

આ સમાચારને શેર કરો