રાજકોટમાં દલિત સમાજે હાથરસમાં ગેંગરેપના આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યાં.
દલિત સમાજના લોકોએ ત્રિકોણબાગ ખાતે વિરોધ કર્યો, પોલીસે દલિત સમાજના લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
ઉત્તરપ્રદેશના હાથરસની ગેંગરેપની ઘટનાના ઘેરા પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ઠેર ઠેર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માગણી પણ ઉઠી છે. ત્યારે રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે દલિત સમાજના લોકો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
દલિત સમાજના લોકોએ ‘આરોપીઓને ફાંસી આપો ફાંસી આપો’ના સુત્રોચ્ચાર કર્યા હતાં અને ન્યાની માંગ કરી હતી. કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી સુત્રોચ્ચાર કરતા પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે ઉત્તરપ્રદેશના હાથસરમાં 19 વર્ષની યુવતી સાથે ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી ઉગ્ર દેખાવો જોવા મળી રહ્યો છે.
ગઈકાલે રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે ગેંગરેપ પીડિતાના પરિવાર માટે ન્યાયની માંગ સાથે દલિત સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જાતિવાદ બંધ કરોના બેનર સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.રસ્તા પર ઉતરી સૂત્રોચાર કરતા પોલીસે ટિગા ટોળી કરી અટકાયત કરી હતી.