વિધાનસભા કૂચ: અમિત ચાવડાના કપડાં ફાટ્યાં, કૉંગ્રેસની રેલીમાં વોટર કેનનનો મારો.
ગાંધીનગરમાં કૉંગ્રેસની વિધાનસભા કૂચ પર પોલીસે વોટર કેનનનો મારો ચલાવ્યો છે. ગુજરાટમાં શિયાળીની એન્ટ્રી થતાની સાથે તાપમાનનો પારો ગગડ્યો છે પરંતુ રાજકારણ ગરમાયું છે. આજથી શરૂં થનારા ગુજરાત વિધાનસભાના ટૂંકા શિયાળુસત્રના પ્રારંભે કૉંગ્રેસે વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને વિધાનસભા ઘેરાવનું એલાન આપ્યું હતું, પરંતુ, સરકારે રેલીની પરવાનગી ન આપતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો. રેલીમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કપડાં ફાટ્યાં હતા. પોલીસે ગાંધીનગરમાંથી અનેક કૉંગ્રેસ કાર્યકર્તાઓની જુદા જુદા સ્થળોએથી અટકાયત કરી હતી.
પોલીસે કૉંગ્રેસને પરવાનગી ન હોવા છતાં પણ કૂચ કરતી રોકવા માટે વોટર કેનનો બળ પ્રયોગ કર્યો હતો. રાજ્યમાં લાંબા સમય પછી ગાંધીનગરમાં આ પ્રકારના દૃશ્યો જોવા મળ્યા હતા. કૉંગ્રેસે અનેક મુદ્દાઓને લઈને રાજ્યમાં હલ્લાબોલ કરતા શિયાળાની ઠંડીમા પાટનગરનું રાજકારણ ગરમાયું હતું.
રેલીમાંથી પોલીસ પર પથ્થરમારાની ઘટના બનતા પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. લાંબા સમય બાદ આ રેલીના માધ્યમથી કૉંગ્રેસનું આક્રમક સ્વરૂપ જોવા મળ્યું હતું. આજે કૉંગ્રેસની વિધાનસભા કૂચને મંજૂરી ન આપાવમાં હોવાથી પાટનગરમાં પંદરસો જેટલા પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા છે. કૉંગ્રેસને વિરોધની મંજૂરી ન મળી હોવાથી મધરાત્રિએ વિપક્ષે કાર્યક્રમનું સ્થળ બદલ્યું હતુ. કાર્યક્રમ પહેલાં કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એ સરકારનો ઉધડો લીધો હતો તેમણે કહ્યું હતું કે, ‘ભાજપના સાશનમાં પ્રજા દુ:ખી અને ત્રસ્ત છે, ગુજરાતમાં અંગ્રેજોને શરમાવે તેવું સાશન છે’
પોલીસે રેલીમાં પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહીત અનેક કાર્યકર્ચતાઓની અટકાયત કરી હતી. અગાઉ ગાંધીનગરના સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસ મયુર ચાવડાએ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘કૉંગ્રેસની રેલીમાં અસામાજિક તત્વો તોફાન કરશે તેવી અમને માહિતી મળી હતી. અમે એ પહેલાં ગઈકાલે કેટલાક લોકોની અટકાયત કરી હતી. જે લોકો રેલી યોજીની કૂચ કરવાનો પ્રયાસ કરશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરાશે’
રાજ્યમાં અલગ અલગ શહેરમાં બનેલી દુષ્કર્મની ઘટના, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરિતી, ખેડૂતોને પાક વીમાની સહાયતા અને તેમાં થયેલા છબરડાંઓ, ઉપરાંત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહીતના મુદ્દે કૉંગ્રેસ સરકારને ઘેરશે. કૉંગ્રેસે રાજ્યભરમાંથી પક્ષના કાર્યકરોને ગાંધીનગર પહોંચવા માટે એલાન કર્યુ છે.
કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ‘આ સરકારની તાનાશાહી છે. સરકાર બળાત્કારીઓને પકડી નથી શકતી, પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવી નથી શકતી અને વિરોધ પક્ષનો અવાજ સાંભળવાને બદલે પોલીસને આગળ કરી અને તાનાશાહી કરી રહી છે. આ સરકારનો દમન છે.