ટંકારાના સાવડી ગામે વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો,લૂંટ અને હત્યાની આશંકા વ્યક્ત કરતો પરિવાર
દીકરીના લગ્ન માટે ભેગા કરેલા રૂ. દોઢ લાખ ગાયબ : ગળામાં ઇજાના નિશાન જોવા મળ્યા : મોતનું સાચું કારણ જાણવા પીએમ રિપોર્ટની જોવાતી રાહ
By Jayesh Bhatasaniya -Tankara
ટંકારા : ટંકારાના સાવડી ગામે રહેતા સામાજિક આગેવાનના વૃદ્ધ પિતાનો તેમની વાડીએ આવેલી ઓરડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પરિવારે હત્યા અને લૂંટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ તેમની પાસે દોઢેક લાખ રૂપિયા હતા જે ઘટના સ્થળેથી ગાયબ છે. હાલ તો પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા ઘેલાભાઈ વશરામભાઈ ચૌહાણ ઉ.વ.62નો વાડીની ઓરડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે ટંકારા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને રાજકોટ પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે ઘેલાભાઈના પુત્ર અને આ પંથકના સામાજિક અગ્રણી નાગજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે તેમના પિતા ઢોરના ત્રાસથી પાકને બચાવવા માટે વાડીએ જ રાત રોકાયા હતા. બીજા દિવસે સવારે ભાઈના પુત્રના લગ્ન થયા બાદ ગણેશ સ્થાપન કરવાનું હોય જેથી પરિવારનો એક વ્યક્તિ તેમના પિતાને બોલાવવા ગયો હતો. જ્યા પિતાનો મૃતદેહ દેખાતા તેમને સમગ્ર પરિવારને જાણ કરી હતી.
વધુમાં નાગજીભાઈએ જણાવ્યું કે તેમના બહેનના આગામી તા. 8ના રોજ લગ્ન હોય જેથી ખરીદી માટેના અંદાજે રૂ. દોઢેક લાખ તેમના પિતા પાસે પડ્યા હતા. જે ઘટના સ્થળેથી પૈસા ગાયબ થઈ ગયા છે. ઉપરાંત મૃતદેહના ગળાના ભાગે કોઈ વસ્તુથી ગળાટૂંપો આપવામાં આવ્યો હોય તેવા નિશાન જોવા મળ્યા છે. જેથી હત્યા અને લૂંટ થઈ હોય તેવું લાગી રહ્યું છે.
આમ મૃતક ઘેલાભાઈના પરિવારજનોએ હત્યા અને લૂંટની આશંકા વ્યક્ત કરી છે. હાલ મૃતદેહનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યુ છે. આ બનાવમાં હકીકત શુ છે તે પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…