Placeholder canvas

વરસાદ: 17 જુલાઈ સુધીમાં ગુજરાતનાં 75 ટકા ભાગોમાં 2 થી 3 ઈંચ વરસાદ પડવાની સંભાવના

વરસાદની માત્રા ક્રમશ: વધશે: અલગ-અલગ દિવસોમાં કયારેક છુટાછવાયા વિસ્તારોમાં અને કયારેક સાર્વત્રીક મેઘમહેર થશે: ચોમાસું ધરી બે દિવસમાં મૂળ પોઝીશનમાં આવી જશે: 22 જુલાઈ સુધી વરસાદી માહોલ રહેશે

સૌરાષ્ટ્ર-ગુજરાત સહીત દેશમાં સ્થગીત થયેલા ચોમાસામાં સળવળાટ આવી ગયો છે. ચોમાસું ધરી હજુ મૂળ પોઝીશનમાં ન હોવા છતાં એકાદ-બે દિવસમાં મૂળ સ્થાને આવી જશે.આવતા સપ્તાહ દરમ્યાન ગુજરાતના 75 ટકા ભાગોમાં બે થી ત્રણ ઈંચ તથા બાકીના વિસ્તારોમાં બે ઈંચ જેટલો વરસાદ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે જણાવ્યું છે કે 19મી જુનથી ચોમાસું સ્થગીત હતું. કારણ કે ટ્રફ હિમાલય તળેટી તરફ સરકી ગયો હતો હવે તે પંજાબથી ઉતરપુર્વિય બંગાળની ખાડી તરફ જાય છે અને 0.9 ના લેવલ પર છે. હજી તે નોર્મલ પોઝીશનમાં નથી છતા એકાદ બે દિવસમાં યોગ્ય સ્થાને આવી જવાની શકયતા છે. ચોમાસામાં સળવળાટ આવી ગયો છે ત્યારે આવતા 24 કલાકમાં પશ્ચીમી ઉતરપ્રદેશ ઉપરાંત પંજાબ-હરીયાણા તથા રાજસ્થાનનાં વધુ કેટલાંક ભાગો તથા દિલ્હીમાં પ્રવેશ કરી લે તેવી શકયતા છે બે દિવસમાં સમગ્ર ભારતમાં છવાઈ જશે.

આ ઉપરાંત એક અપર એર સાયકલોનિક સરકયુલેશન ઓડીશા તથા પશ્ચીમ બંગાળનાં લાગુ વિસ્તારમાં 5.8 કી.મી.ના લેવલ છે એક ટ્રફ 3.1 કીમીનાં લેવલ પર સાયકલોનિક સરકયુલેશનથી ઓડીશા બાજુ જાય છે. આવતા બે દિવસમાં આંધ્રપ્રદેશના કિનારા બાજુની મધ્ય પશ્ચીમ બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાવાની શકયતા છે. તેઓએ વધુમાં કહ્યું કે સૌરાષ્ટ-ગુજરાતમાં ઘણા દિવસોથી વરસાદ અદ્રશ્ય છે સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીનો વરસાદ સરેરાશથી 54 ટકા ઓછો છે. કચ્છમાં 47 ટકા ઓછો છે જયારે ઉતર-દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 40 ટકા ઓછો વરસાદ થયો છે.

9 થી 16 જુલાઈમાં વરસાદી માહોલ તથા વરસાદ થવાનું આગોતરૂ એંધાણ ગત સપ્તાહે આપનારા અશોકભાઈ પટેલે 10 થી 17 જુલાઈની આગાહીમાં કહ્યું છે કે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે ક્રમશ: વરસાદ વધવા લાગશે.રાજયનાં 75 ટકા વિસ્તારોમાં આગાહીમાં ગાળા દરમ્યાન અલગ અલગ દિવસે જુદા જુદા ભાગોમાં હળવો-મધ્યમ કે ભારે વરસાદ થશે. જે કુલ બે થી ત્રણ ઈંચ સુધીનો અતિભારે વરસાદ પણ થઈ શકે છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતનાં બાકીના 25 ટકા ભાગોમાં અલગ અલગ દિવસોમાં ઝાપટાથી માંડીને બે ઈંચ વરસાદ થઈ શકે છે. કચ્છમાં પણ સમાન સ્થિતિ રહેવાની શકયતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન મોડલ મુજબ સૌરાષ્ટ્રના દક્ષિણ દરીયામાં વરસાદ વધુ થવાની શકયતા છે. પરંતુ આવતા દિવસોમાં ચોમાસુ ધરી દક્ષિણ તરફ સરકવાની છે તેની પોઝીશનના આધારે વરસાદી માત્રામાં બદલાવ થઈ શકે છે.

આ સમાચારને શેર કરો