Placeholder canvas

સુરેન્દ્રનગર: ને.હાઇવે પર લિંમડી પાસે કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5નાં મોત, 4ને ગંભીર ઇજા

અમદાવાદ-લિંબડી હાઇવે પર દેવપરા ગામના પાટિયા નજીક કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. સોમનાથ દર્શને જઈ રહેલો અમદાવાદનો પરિવાર કાળનો કોળિયો બની ગયો.

સુરેન્દ્રનગર : લિંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતોની વણથંભી વણઝારે વધુ એક પરિવારનો ભોગ લીધો છે. ગત રાત્રે સુરેન્દ્રનગરના દેવપરા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના પરિવારના 5 લોકોનાં મોત થયા છે જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. અમદાવાદનો પરિવાર સોમનાથ દાદાના દર્શને જઈ રહ્યો હતો ત્યારે કાળનો કોળિયો બની ગયો હતો.

અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક લિંબડીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ પોલીસ અને ટ્રાફિક વિભાગે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તનો લિંબડી રેફરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

GJ01 DU 8615 નંબરની કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.કારમાં સવાર અમદાવાદના પરિવારના પાંચ સભ્યો તો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અમદાવાદનો પરિવાર ગત રાત્રે સોમનાથ દર્શને જવા નીકળ્યો હતો. પરિવારે સ્વપ્નેય નહીં વિચાર્યુ હોય કે તે સોમનાથ દાદાના દર્શને પહોંચવાના બદલે કાળનો કોળિયો બની જશે. નેશનલ હાઇવે પર માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકો અવારનવાર અકસ્માતો સર્જતા રહે છે તેમાં વધુ એક અકસ્માત ઉમેરાયો છે.

અમદાવાદ-લિંબડી હાઇવે પર રાત્રીના અંધકારમાં થયેલા અકસ્માતે એક પરિવારનો સુર્યાસ્ત કરી દીધો છે ત્યારે આ હાઇવે પર સુરક્ષાના ગંભીર સવાલો સર્જાયા છે. હાલમાં ગાંધીનગર-રાજકોટ સિક્સલેન વાઇડનિંગનું કામ ચાલી રહ્યુ હોવાથી માર્ગ પર અનેક ઠેકાણે ડાયવર્ઝન છે. નેશનલ હાઇવે બિસ્માર છે છતાં વાહન ચાલકો ગતિ પર મર્યાદા ન જાળવતા હોવાના કારણે અકસ્માતો સર્જાય છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ લોકોના પાર્થિવ શરીરને પણ લિંબડીની હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાંથી આજે તેમને આગળની કાર્યવાહી પૂર્ણ કરી અમદાવાદ પરત મોકલાશે.

આ સમાચારને શેર કરો