Placeholder canvas

CMના હોમટાઉનમાં ઓક્સિજન રિફિલિંગ માટે 20 કિ.મી.ના ધક્કા

શહેરમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં પણ તંત્ર નિષ્ફળ: બાટલા રિફિલિંગ માટે દર્દીના સગાઓની રઝળપાટ છતા તંત્ર દ્વારા સ્થિતિ કાબૂમાં હોવાની ડંફાશ

ગાંધીનગરના સંસદસભ્ય આને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પોતાના મત વિસ્તારની બે દિવસની મુલાકાતે આવ્યા અને ગાંધીનગરમાં ઓકિસજન પ્લાન્ટ સાથે એક હજાર બેડની કોવિડ હોસ્પિટલની જાહેરાત કરતા ગયા અને તાબડતોબ હોસ્પિટલનું કામ પણ શરૂ થઈ ગયું પરંતુ ગુજરાતની શાસન ધુરા જેના હાથમાં છે તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન રાજકોટમાં દર્દીઓ અને દર્દીઓના સગા-વ્હાલાઓ ઓકિસજનના બાટલા ભરાવવા માટે રાત-દિવસ ખાધા-પીધા વગરના ભાટકી રહ્યા છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં હોવાથી સૌરાષ્ટ્રભરના દર્દીઓનો રાજકોટમાં ઘસારો રહે છે. પરંતુ રાજકોટમાં માત્ર ઓકિસજનના વાંકે કોવિડ હોસ્પિટલો શરૂ થઈ શકતી નથી.
સંવેદનાહિન અને નીંભાર તંત્રએ સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને જરૂરી ઓકસીજનના સિલિન્ડર ભરવા માટે શાપર-વેરાવળ અને મેટોડા જેવા 20 કીલોમીટર દુરના વિસ્તારોમાં વ્યવસ્થા કરી છે. જેના કારણે કોરોના દર્દીઓે સાથે તેના કુટુંબીજનોની હાલત પણ દયાજનક બની ગઈ છે.

સરકાર અને સરકારીતંત્રએ રાજકોટમાં કોરોનાના દર્દીઓને રેઢા મુકી દીધા હોય તેમ કોરોનાના દર્દીઓ પ્રાણવાયુ માટે વલખા મારી રહ્યા છે જયારે તેના કુંટુબીજનો પ્રાણવાયુ શોધવા માટે મેટોડા અને શાપર વેરાવળમાં ભટકી રહ્યા છે.એક જ ઘરમાં બેથી ત્રણ કોરોનાના પેશન્ટ હોય તો બાકીના પરિવારજનોની હાલત અત્યંત કફોડી થઈ જાય છે. દર્દી માટે ઓકિસજનની વ્યવસ્થા કરવા માટે એક વ્યકિતએ તો 24 કલાક દોડાદોડી કરવી પડે છે. ઓકિસજન સિલિન્ડરમાં 4 થી 10 કિલોગ્રામ ઓકિસજન ભરાય છે. પરંતુ આટલો ઓકિસજન માંડ 4 થી 12 કલાક ચાલે છે. લાઈનમાં ઉભુ રહેવું પડે છે. કલેકટર તંત્રએ રાજકોટથી 20 કિલો મિટર દુર મેટોડા અને શાપર-વેરાવળમાં ઓકિસજન રિફીલીંગની વ્યવસ્થા કરી હોવાથી મહિલાઓ અને બાળકો પણ ઓકિસજન રિફિલિંગ માટે લાઈનમાં ઉભેલા જોવા મળે છે.

એક તરફ હોસ્પિટલોમાં જગ્યા મળતી નથી અને બીજી તરફે સરકાર તંત્ર સારવાર લઈ રહેલા દર્દીઓને ઓકિસજન પણ પુરો પાડી શકતી નથી ચારે તરફ અંધાધુંધી જેવા હાલત છે છતા રાજય સરકાર કેન્દ્ર સરકારને સ્થિતિ કાબુમાં હોવાનો અને રાજકોટ કલેકટર રાજકોટમાં સ્થિતિ ક્ધટ્રોલમાં હોવાનો રિપોર્ટ કરી લોકોને ઉંઘા ચશ્મા પહેરાવી રહ્યા છે.

રાજકોટ શહેરમાં ફાટી નીકળેલા કોરોનાના રોગ- ચાળા વચ્ચે ઓકિસજનની અછતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. અનેક ઘરોના આધારસ્તંભ છીનવાઈ રહ્યા છે. આમ છતા ઓકિસજન પુરો પાડવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે. રાજકોટ શહેરની હોસ્પિટલો અને હોમકવોરેન્ટાઈન દર્દીઓ માટે કેટલા ટન ઓકિસજનની જરૂરીયાત છે અને તેની સામે સરકાર દ્વારા કેટલો ઓકિસજન મળી રહ્યો છે. તે અંગે કલેકટર દ્વારા રોજ ગોળગોળ જવાબ આપવામાં આવી રહ્યો છે. કલેકટર દ્વારા વાસ્તવિક સ્થિતિ જાહેર કરવાના બદલે સ્થિતિ કાબુમાં હોવાના જુઠાણા ચલાવાઈ રહ્યા છે.

બેડ નથી, ઓક્સિજન નથી, ઈન્જેકશન નથી છતાં સ્થિતિ કાબૂમાં કઈ રીતે?
રાજકોટ શહેરની એક પણ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને બેડ મળી રહ્યા નથી. આ જ રીતે હોસ્પિટલોમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મરી રહ્યા છે તેમજ ઓકિસજનની તંગીના કારણે હોસ્પિટલોમાં નવા દર્દીને દાખલ કરવામાં આવતા નથી. આજ રીતે શહેરની હોસ્પિટલો અને ઘેર સારવાર લેતા દર્દીઓ ઓકિસજન માટે દોડધામ કરી રહ્યા છે. આમ છતા ઓકિસજન મળી રહ્યો નથી. આમ છતા કલેકટર દ્વારા ઓકિસજન ઘટ નહી હોવાની પિપુડી વગાડી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. કોરોનાની સારવાર માટે જરૂરી મનાતા રેમડેસીવિર ઈન્જેકશનની બાબતમાં પણ સરકારી તંત્રએ નાદારી નોંધાવી દીધી છે. ઉપરથી ઈન્જેકશન આવશે તો આપશું તેવી શાહમૃગી નીતિ અખત્યાર કરી દર્દીઓને ભગવાન ભરોસે છોડી દીધા છે..

આ સમાચારને શેર કરો