રાજકોટ: કાર ચાલકને ગાળો ભાંડનાર GRD જવાન સસ્પેન્ડ

રાજકોટ : શહેરમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેના કારણે રાજકોટ શહેર ઉપરાંત અન્ય જિલ્લાઓની પોલીસ પણ બંદોબસ્ત માટે મંગાવવામાં આવી હતી. કુલ 1300 પોલીસ જવાનોનો સ્ટાફ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સારી રીતે થઈ શકે તે માટે તહેનાત રાખવામાં આવ્યો હતો. આ સમયે રાજકોટના કે. કે. વી સર્કલ પાસે આમ નાગરિક સાથે પોલીસ જવાન ઉદ્ધત વર્તન કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર મામલે ભોગ બનનાર કારચાલકે પોલીસ જવાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વહેતો કરતા આ વીડિયો રાજકોટ શહેર પોલીસ પાસે પહોંચ્યો હતો.

વાયરલ વીડિયો મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા તપાસ કરતા વીડિયોમાં કાર ચાલક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરનાર રાજકોટ ગ્રામ્ય પોલીસનો લોક રક્ષક દળનો જવાન દેવજીભાઈ મેઘજીભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે. દેવજીભાઈ રાજકોટ રૂરલના મવડી હેડ કવાર્ટર ખાતે મેઇન ગેટ પર ફરજ બજાવે છે. દેવજીભાઈ સામે અભદ્ર વર્તન માટે રાજકોટ સીટી પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

રાજકોટના કે.કે.વી સર્કલ પાસે પોલીસે ડાબી બાજુ વળવા માટે કેટલાક પોલ ઊભા કર્યા છે. જેથી ડાબી બાજુ વળવા માંગતા વાહનચાલકો કોઈપણ જાતની અડચણ વગર ડાબી બાજુ વળી શકે. ત્યારે કે. કે. વી હોલ ચોક નજીક રોંગ સાઈડમાંથી બાઇક કાઢવા બાબતે પોલીસ જવાને મારી સાથે માથાકૂટ કરી હતી. આ સમગ્ર મામલે વીડિયોમાં પણ સ્પષ્ટ જોઇ શકાય છે કે લોક રક્ષક દળના જવાન દ્વારા કાર ચાલક ચિંતન દોશીને જોઈ લેવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત જવાન ગાળ પણ બોલી રહ્યો છે. જીઆરડી જવાન પોલીસ તરીકેનો રૂઆબ બતાવીને સામાન્ય જનતાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાનું વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •