Placeholder canvas

વાંકાનેર: બોકડથંભામાં જમીનના શેઢાની તરકારમાં દંપતી પર છરી વડે હુમલો

વાંકાનેર : વાંકાનેરના બોકડથંભા ગામે માતાજીના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા હળવદના માથક ગામના બે શેઢા પાડોશીઓ વચ્ચે ફરી જમીનના શેઢાનો વિવાદ છેડાતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેમાં દંપતી પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

મળેલ માહિતી મુજબ હાલ હળવદ કેનાલ રાણેકપર રોડ ઉપર આવેલ સાનિદય સોસાયટીમાં રહેતા મૂળ માથક ગામના વતની મહેશભાઇ જેસીંગભાઇ મદ્રેસાણીયા (ઉ.વ ૩૫) એ આરોપીઓ વીજયભાઇ ભુપતભાઇ મદ્રેસાણીયા અને વીપુલભાઇ ભુપતભાઇ મદ્રેસાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીને આરોપીઓ સાથે ઘણા સમયથી માથક ગામે આવેલ પોતાની ખેતીની જમીનના શેઢા અંગેનો વિવાદ ચાલી રહ્યો છે. દરમ્યાન ગઈકાલે તા.૧૫ના રોજ ફરિયાદી અને સાહેદો તથા આરોપીઓ બોકડથંભા ગામે પોતાના કુળદેવી ચામુંડા માતાનો નવો મઢ બનાવેલ હોય તેના બેસણામા હાજરી આપવા ગયા હતા.

ત્યારે આરોપીઓએ ખેતીની જમીનના શેઢાનો વિવાદ ફરિયાદી સાથે ચાલતો હોય તેનો ખાર રાખીને ફરિયાદીના પત્ની ગીતાબેનને છરીનો એક ઘા જમણા પગે ઢીંચણ નીચેના ભાગે મારી ઇજા કરત ફરિયાદી પોતાની પત્નીને બચાવવા વચ્ચે પડ્યા હતા. આથી, આરોપીઓએ ફરિયાદીને પણ પકડી રાખી ઝપાઝપી કરી તેમને છરીનો એક ઘા ડાબા હાથમા અંગુઠા તથા આંગળી વચ્ચે મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો