રાજકોટ યાર્ડના મચ્છરો મુદ્દે ‘ડિસ્ટ્રીકટ ઇમરજન્સી’ જાહેર
રાજકોટ નજીક બેડી માર્કેટીંગ યાર્ડમાં દર વર્ષે શિયાળાની વિદાય અને ઉનાળાના આરંભ પૂર્વે ઋતુના સંક્રાંતિકાળ સમયે યાર્ડ નજીક આવેલ નદીમાં ગાંડી વેલના કારણે મચ્છરોનો ભયાનક ત્રાસ સર્જાય છે. યાર્ડના વેપારીઓ મજૂરો અને બેડી ગામના ગ્રામજનો પણ મચ્છરોના ત્રાસથી ત્રાસી ઉઠે છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા રાજકોટ સીટી-2 પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ગઇકાલે બેડી યાર્ડ મોડી સાંજે દોડી ગયા હતા. પરિસ્થિતિનું નિરીક્ષણ કરી ગાંડી વેલનો ત્રાસ અને મચ્છરોની ઉત્પતિ અટકે તે માટે ડિસ્ટ્રીકટ ક્રાઇસીસ જાહેર કરી તમામ ખાતાના અધિકારીઓને એક મહિના સુધી ગાંડી વેલ દૂર કરી નદીનું પાણી શુઘ્ધ કરવા કામગીરી શરૂ કરવામાં આવશે તેવુ જાણવા મળેલ છે.
ગાંડી વેલને એક મહિનામાં જડમૂળથી ઉખેડી કાઢવામાં આવશે. ફરીથી આ ગાંડી વેલ ઉગે નહી તે માટે દવા છંટકાવ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પાસેથી કાયમી સોલ્યુશન મેળવી આ કામગીરી કરવામાં આવશે. મચ્છરોના ઉપદ્રવ હવે પછી ન થાય તે માટે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવશે. ડિસ્ટ્રીકટ ક્રાઇસીસ હેઠળ પ્રાંત અધિકારીને તમામ અધિકારો પ્રાપ્ત થતાં હોય એક પણ રાજય સરકારની કચેરી હવે આ કામગીરીમાં પોતાનામાં આવતું નથી. તેવુ જણાવી શકશે નહી અને ક્રાઇસીસ મેનેજમેન્ટ હેઠળ યાર્ડ ખાતેની ગાંડી વેલ દૂર કરાવી મચ્છરોનું કાયમી નિરાકરણ આવે તે માટેની કામગીરી શરૂ કરી દેશે. જે સતત મોનીટરીંગ કરવામાં આવશે.
દરમિયાન પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આ મામલે અત્યંત ગંભીરતાથી પોતાની જવાબદારી સમજી વેપારીઓ તેમજ યાર્ડમાં આવતા ખેડૂતો, દલાલો અને સ્થાનિક ગ્રામજનોને આગામી સમયમાં મચ્છરોથી કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે વ્યવસ્થિત આયોજન ઘડી કાઢી ગાંડી વેલ અને મચ્છરોનો કાયમી નિરાકરણ કરવાનો એકશન પ્લાન ઘડી કાઢવા ખેતીવાડા ખાતા અને સિંચાઇ વિભાગને પણ જણાવી દઇ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને કામે લગાડી દીધા છે તેવુ જાણવા મળેલ છે.