skip to content

રાજકોટના પોશ એરિયામાં કોરોના ઘૂસ્યો-3 કેસ : ગોંડલ-જૂનાગઢમાં 1-1 કેસ

ક્નટેનમેન્ટ ઝોન બહાર કાલાવડ રોડ, અમીન માર્ગ અને ગાયકવાડીમાં ત્રણ મહિલા પોઝીટીવ : બે અમદાવાદ રિટર્ન : ગોંડલના જામવાડી અને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર પણ ફફડાટ : અમરેલી-ટંકારામાં નવા કેસ

સૌરાષ્ટ્રમાં ગુજરાત અને મુંબઈ તરફથી આવતા લોકો કોરોના સંક્રમણ વધારે તેવી દહેશત વચ્ચે આજે પ્રમાણમાં સલામત રહેલા રાજકોટમાં કોરોનાના નવા ત્રણ કેસ આવતા ભય ફેલાયો છે તો ગોંડલના જામવાડી તથા જૂનાગઢનાં ઝાંઝરડા રોડના સહજાનંદ એપાર્ટમેન્ટમાં પણ કોરોનાનો એક કેસ નવો આવ્યો છે. રાજકોટના ત્રણ કેસમાં બે મહિલા અમદાવાદથી પરત ફરેલ છે તો એક મહિલાની કોઇ હિસ્ટ્રી ન મળતાં આરોગ્ય વિભાગ પોશ એરીયામાં દોડધામમાં પડયો છે.

રાજકોટ શહેરમાં બહારગામથી આવતા લોકો કોરોનાના વાહક બને તે ચિંતા સાચી પડી રહી છે. આજે જંગલેશ્ર્વરના ક્નટેનમેન્ટ ઝોન બહાર પોશ એરીયામાંથી કોરોનાના કેસ મળતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. શહેરનાં કાલાવડ રોડ પરની કેવલમ સોસાયટીમાં અને અમીન માર્ગની ચિત્રકૂટ સોસાયટીમાં અમદાવાદથી આવેલી બે મહિલાને કોરોના પોઝીટીવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. તો જંકશન પ્લોટ ગાયકવાડીના પણ એક મહિલાને કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી વગર કોરોના આવતા દોડધામ મચી ગઇ છે.આ મહિલાઓમાં કેવલમ રેસીડેન્સીમાં રહેતા અર્ચનાબેન કલ્યાણભાઈ અગ્રાવત (ઉ.27) અને અમીન માર્ગના ચિત્રકૂટ ધામમાં રહેતા જશુમતીબેન લક્ષ્મીદાસ વિષ્ણુ (ઉ.87) તા. 25નાં રોજ અમદાવાદથી રાજકોટ આવેલ છે જ્યારે ગાયકવાડીના હસુબેન મુન્નાભાઈ રાઠોડ (ઉ.42) ક્યાંય ગયા નથી તેવું બહાર આવ્યું છે. રાજકોટ શહેરમાં આ સાથે દર્દીઓનો આંકડો 83 અને જિલ્લાનો 102 થયો છે.

ગોંડલ

ગોંડલની જામવાડી જીઆઈડીસમાં રાજસ્થાનથી આવેલા યુવાનનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવેલ છે જેના પગલે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ આ વિસ્તારમાં દોડી જઇ દવા છંટકાવ તેમજ સર્વે કામગીરી હાથ ધરી છે. જામવાડી જીઆઈડીસીમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પોઝીટીવ દર્દીઓનો આંકડો 20 પર પહોંચી ગયો છે.

ટંકારામાં પણ કોરોનાની એન્ટ્રી
મોરબીમાં વાવડી રોડ પર વૃધ્ધાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ચાર ક્લોઝ કોન્ટેક્ટના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ગઇકાલે લેવાયેલ સેમ્પલ પૈકી તા. 23નાં રોજ અમદાવાદથી આવેલ હોવાનું જાણવા મળેલ છે. હાલ ટંકારાના જયનગરમાં રહેતા 38 વર્ષનાં યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેને લઇને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગયો છે.

આ સમાચારને શેર કરો