ગરીબોની કસ્તૂરીને હજુ 15 ડિસેમ્બર સુધી તેજોરીમાં રાખવી પડશે.!

ડુંગળીના જથ્થાબંધ ભાવ રૂા.100 ને વટાવી ગયા હોય તેવુ ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. આ બેકાબુ ભાવ વિશે કેન્દ્ર સરકારે પણ હાથ ઉંચા કરી દીધા હોય તેમ તે સરકારનાં અંકુશમાં ન હોવાનું કહ્યું છે.

મહારાષ્ટ્રની જથ્થાબંધ માર્કેટમાં સારી કવોલીટીનો ડુંગળીનો ભાવ સરેરાશ રૂા.90 બોલાયો હતો. જયારે સોલાપુર-સંગમનેહમાં 110 તથા વાસીમાં 100 બોલાયો હતો. રીટેઈલ માર્કેટમાં દેશભરમાં ડુંગળીનો ભાવ રૂા.100 કે તેથી વધુ થયો છે.

ડુંગળીનિ કવોલીટી નબળી પડતાં ડુંગળીના મુખ્ય મથક લાસનગાંવ તથા પીમ્પલ ગાવની માર્કેટોમાં ભાવ પ્રમાણમાં નીચા છે. પાટનગર દિલ્હીમાં હોલસેલ ભાવ રૂા.30 થી 60 ની રેન્જમાં હતા, જયાં રાજસ્થાનથી માલ ઠલવાતો રહ્યો છે.મુંબઈમાં ઈજીપ્ત ઈરાક અને હોલેન્ડનો આયાતી માલ ઠલવાતો રહ્યો છે જોકે, ઉંચા ભાવને કારણે ખરીદી ધીમી પડી છે.

વેપારીઓનાં કહેવા પ્રમાણે હજી એકાદ પખવાડીયું-મધ્ય ડીસેમ્બર સુધી ભાવોમાં રાહત મળે તેમ નથી. નવી સપ્લાય આવ્યા બાદ ક્રમશ: ભાવો નીચા આવી શકશે. ગુજરાત-મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશમાં કમોસમી વરસાદે હાલત બગાડી છે. કવોલીટી નબળી હોવાથી છેવાડાનાં રાજયો સુધી સપ્લાય પણ મુશ્કેલ છે. આમ હજુ ગરીબોની કસ્તુરી ડુંગળી ને ૧૫ ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી તેજોરિમાં રાખવી પડે તેવા ભાવ રહેશે.

આ સમાચારને શેર કરો