નંબર વગરની કારમાં ‘પોલીસ’ અને ‘ચેરમેન’ એમ બે-બે બોર્ડ વાળી કાર પણ ડિટેઇન.!
પંદર દિવસની લોકડાઉન અમલી હોવા છતાં કેટલાંક લોકો તેની ઐસી તૈસી કરીને ખુલ્લેઆમ માર્ગો પર ફરતા હોવાનું ધ્યાને આવ્યા બાદ હવે પોલીસ વધુ કડક બની છે. પાસ વિના અને બીનજરૂરી રીતે બહાર ફરવા નીકળતા લોકોના વાહનો ધડાધડ ડીટેઈન કરવા લાગી છે. શહેરભરમાં ચેકીંગ કડક બનાવવામાં આવ્યું છે. પાસની પણ ખરાઈ-ચકાસણી કરવામાં આવી રહી છે. દિવસોથી ચેતવણી આપવા છતાં ‘હમ નહીં સુધરેંગે’નો અભિગમ અપનાવતા લોકોને શબક શીખડાવવા વાહનો જપ્ત કરવામાં આવી રહ્યા છે.
પોલીસ કમિશ્ર્નરથી માંડીને તમામ અધિકારીઓ પણ ‘ફીલ્ડ’માં જ છે. આજે જોઈન્ટ એસીપી ખુરશીદ અહેમદ તથા ટ્રાફીક પીઆઈ એસ.એન.ગડુ રાઉન્ડમાં હતા ત્યારે નંબર પ્લેટ વગરની કાર નજરે ચડી હતી. કારની આગળ ‘પોલીસ’ તથા પાછળ ‘સામાજીક ન્યાય સમિતિના ચેરમેન-ચોટીલા’ એવા પાટીયા માલુમ પડયા હતા તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ચાલકની પુછતાછ કર્યા બાદ કાર ડીટેઈન કરી લેવામાં આવી હતી. આ સિવાય એક ટુ-વ્હીલર ચાલક શ્ર્વાનને લઈને નીકળ્યો હતો. શ્ર્વાનની સારવાર માટે જતા હોવાની દલીલ માન્ય રાખ્યા વિના સ્કુટર જપ્ત કરી લીધુ હતું. આ જ રીતે એક વૃદ્ધે પાસપોર્ટના કામ માટે જતા હોવાનું કહ્યું હતું. પરંતુ પોલીસે પાછા મોકલી દીધા હતા.