Placeholder canvas

અમદાવાદ: રામોલના PSI પર તીક્ષ્ણ હથિયારથી હુમલો, બેની ધરપકડ

શહેરમાં પોલીસ પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. આ પહેલા દરિયાપુર અને સાબરમતીમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી ચુકી છે, હવે રામોલના પીએસઆઈ પર હુમલાની ઘટના સામે આવી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ને સારવાર માટે શહેરની એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે અક્ષય ભુરિયો અને અજિત વાઘેલા નામના બે આરોપીની ધરપકડ કરી છે. પીએસઆઈ પર રામોલની કૈલાશ કોલોની ખાતે હુમલો કરવામાં આવ્યો હતો.

જેમના પર હુમલો થયો છે તે પીએસઆઈ અર્જુન ભરવાડ રામોલ પોલીસ સ્ટેશનની સુરેલિયા ચોકીમાં ફરજ બજાવે છે. મળતી માહિતી પ્રમાણે કૈલાશ કોલોની સોસાયટીના રહીશોએ અગાઉ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપી હતી, જે અનુસંધાને પોલીસે બંનેને પકડીને પાસામા ધકેલી દીધા હતા. તાજેતરમાં બંને જેલમાંથી છૂટી ગયા હતા અને બંનેએ ફરીથી સોસાયટીના લોકોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.

એક તરફ પોલીસ બુટલેગરો અને જુગારીઓ સામે ખાસ ડ્રાઇવ ચલાવી રહ્યા છે ત્યારે જ રામોલમાં પોલીસ પર હુમલો થતા ચકચાર મચી જવા પામી છે. અગાઉ સોસાયટીના લોકોને રંજાડતા તત્વોએ હવે પોલીસ પર હુમલો કરી દેતા અનેક સવાલો ઉભા થયા છે. જે જગ્યાએ પીએસઆઈ પર હથિયારથી હુમલો કરી દેવામાં આવ્યો હતો તે સ્થળ ભાજપ-કોંગ્રેસના અમરાઈવાડી ખાતે આવેલા કાર્યાલય નજીક જ થયો છે. આગામી દિવસોમાં અમરાઈવાડી બેઠક પર પેટાચૂંટણી યોજાવાની હોવાથી બંને પક્ષો તરફથી કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા નરોડામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર બે યુવકોએ હુમલો કરી દીધો હતો. બંને રોંગ સાઇડમાં આવી રહ્યા હોવાથી પોલીસે બંનેને અટકાવ્યા હતા. જે બાદમાં બંને યુવકોએ પોલીસને ધમકી આપી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો