Placeholder canvas

આગામી રવિથી બુધવાર સુધી સૂરજદાદા આકરા પાણીએ: હીટવેવની સ્થિતિ સર્જાશે

છેલ્લા બે દિવસથી તાપમાન ફરી પરચો દેખાડવા લાગ્યુ છે. ત્યારે આગામી 31 મી સુધી પારો ઉંચો જ રહેશે અને રવિવારથી બુધવાર સુધી તે 42 ડીગ્રીને પણ આંબી શકે તેમ હોવાથી કેટલાંક સેન્ટરોમાં હીટવેવની સ્થિતિનું નિર્માણ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે જણાવ્યું હતું કે રાજકોટ-સૌરાષ્ટ્રમાં ગઈકાલથી તાપમાન વધવા લાગ્યુ છે. પોરબંદરમાં પારો 40.4 ડીગ્રીએ પહોંચ્યુ હતું. તે હીટવેવની સ્થિતિ સુચવે છે. કારણ કે દરીયાઈ પટ્ટી વિસ્તારોમાં નોર્મલ તાપમાન 33 ડીગ્રી જ હોય છે. રાજકોટ સહીત અન્ય સેન્ટરોમાં નોર્મલ તાપમાન 37 ડીગ્રીએ પહોંચ્યું છે અને મોટાભાગનાં શહેરોમાં નોર્મલથી વધુ તાપમાન હતું. રાજકોટમાં 39 ડીગ્રી કેશોદમાં 39.5 ડીગ્રી, ભુજમાં 39.8 ડીગ્રી તથા અમદાવાદમાં 38 ડીગ્રી તાપમાન હતું તે નોર્મલ કરતા એકથી ત્રણ ડીગ્રી વધુ હતું

તા.26 માર્ચથી 2 એપ્રિલ સુધીની આગાહી કરતાં અશોક પટેલે કહ્યું કે 31 માર્ચ સુધી તાપમાન ઉંચુ જ રહેશે. ખાસ કરીને તા.28 થી 31 માર્ચના ચાર દિવસ આકરી ગરમીનો રાઉન્ડ રહેશે.જયારે તાપમાન 42 ડીગ્રીને આંબી શકે છે. 26-27 માર્ચે તાપમાન 39 થી 41 ડીગ્રી તથા 28 થી 31 માર્ચ 40 થી 42 ડીગ્રીની રેંજમાં તાપમાન રહેશે. એટલે કેટલાંક સ્થળોએ હીટવેવની હાલત ઉભી થઈ શકે છે. 1 અને 2 એપ્રિલે તાપમાન આંશીક ઘટશે છતાં નોર્મલ કરતા ઉંચુ જ રહેવાની શકયતા છે.

આ સમાચારને શેર કરો