Placeholder canvas

મોરબી: ‘તમારા પૈસા નીચે પડી ગયા છે’ કહી કારમાંથી રૂ.15 લાખ ભરેલા થેલાની ચિલઝડપ

રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા મોરબીમાં થયેલી ચોરીની ઘટનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 13 લાખથી વધુની રોકડ રકમ કબજે કરી છે. સમગ્ર મામલે બંને આરોપીઓને મોરબી પોલીસને સોંપી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે રાકેશ ચંદુભાઈ સંઘાણી નામના વેપારી પોતાની વેન્યૂ કાર પાર્ક કરી મીઠાઇની દુકાનમાં ખરીદી કરી પરત પોતાની કારમાં બેસવા ગયા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ વેપારી પાસે આવીને કહ્યું હતું કે, તમારા પૈસા પડી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અનેક વખત ચોરીને ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે. ફરી એક વખત આ પ્રકારનો બનાવ બનતા લોકોએ વધારે સાવધ રહેવાની જરૂર છે.

આ વાત બાદ વેપારીએ પોતાની કારનો દરવાજો ખોલી નીચે પડેલા પૈસા ઉપાડવા જતાં બીજી સાઈડમાં ઊભેલા લૂંટારૂ ગેંગના સાગરીતે વેપારીની નજર ચૂકવી કારનો દરવાજો ખોલી રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી કરી હતી. સમગ્ર બનાવની જાણ મોરબી પોલીસને થતા મોરબી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બનાવ બાબતની એ ડિવિઝન પોલીસ સહિતનાઓને જાણ કરવામાં આવી હતી.

આ ઘટના સ્થળ પર પહોંચેલી મોરબી એલસીબી તરફથી સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે રોકડ રકમ સહિતના થેલાની ઉઠાંતરી કરનાર ચાર શખ્સોની ગેંગ છે. તેમજ તેઓ જૂના બસ સ્ટેન્ડ પાસેથી ઇકો કારમાં બેસી રાજકોટ તરફ ભાગ્યા હોવાની માહિતી મળી હતી.

આ દરમિયાન મોરબી પોલીસે ટંકારા તેમજ રાજકોટ પોલીસને જાણ કરી નાકાબંધી કરાવી હતી. સમગ્ર બનાવની જાણ થતા હોસ્પિટલ ચોક ખાતે પ્રદ્યુમન નગર પોલીસ મથકના પીઆઈ એમ. એ. જનકાંત તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ હતો. દરમિયાન ગુનાહિત કૃત્ય આચરનાર સુબ્રમણ્યમ નાયડુ તેમજ ગણેશ નાયડુ પોલીસને દેખતાની સાથે જ ભાગી ગયા હતા. જોકે, પોલીસે બંને આરોપીઓને 13 લાખથી વધુની રકમ સાથે ઝડપી પાડયા છે.

આ ગુનાહિત કૃત્યમાં સામેલ અન્ય બે શખ્સો પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ થયા હોવાનું સામે આવ્યું છે. આ બંને આરોપી શિવા અંગત સ્વામી અને જય નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે.

આ સમાચારને શેર કરો