મોરબી

મોરબી: રફાળેશ્વર પાસે જમવાના પૈસાની લેતી-દેતીમાં યુવાનની કરપીણ હત્યા


મિત્રો જ બન્યા દુશ્મન: નળિયા અને ટાઇલ્સના ફટકા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો; બે શખ્સો સામે હત્યા અને એટ્રોસિટીનો ગુનો દાખલ

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે મિત્રો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જમવાના પૈસાની લેતી-દેતી બાબતે થયેલી તકરારમાં બે મિત્રોએ જ પોતાના મિત્ર પર નળિયા અને ટાઇલ્સના કટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે આ મામલે બે શખ્સો વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા દયાબેન જગદીશભાઈ ચૌહાણના દીકરા ભરતભાઈ ઉર્ફે જેડીને તેના જ જુના મિત્રો ગોપાલભાઈ રણછોડભાઈ ઝાપડા અને પ્રદીપભાઈ કોળી સાથે જમવાના પૈસાની લેતી-દેતી બાબતે વિવાદ થયો હતો. આ વિવાદ વધતા કૈલાશ નળિયાના ગ્રાઉન્ડમાં બંને શખ્સોએ ભરતભાઈ પર હુમલો કર્યો હતો.

જીવલેણ હુમલો અને મોત
હુમલા દરમિયાન ગોપાલભાઈએ નળિયા વડે ખભાના ભાગે અને પ્રદીપભાઈએ ટાઇલ્સના તીક્ષ્ણ કટકા વડે ભરતભાઈના પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં ભરતભાઈને તાત્કાલિક મોરબી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર કારગત ન નીવડતા યુવાને દમ તોડ્યો હતો.

મૃતક યુવાનની માતા દયાબેનની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ગોપાલ ઝાપડા અને પ્રદીપ કોળી વિરુદ્ધ આઈપીસીની હત્યાની કલમ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ સમાચારને શેર કરો