ગાંધીધામથી વતન જામનગર જઈ રહેલા બેંક કર્મી યુવાનનું માળીયા પાસે અકસ્માતમાં મોત
ચાંચાવદરડા નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ૨૩ વર્ષીય યુવાનનું પ્રાણપંખેરુ ઉડ્યું; લગ્નના ગણતરીના મહિનાઓમાં જ પત્નીએ પતિની છત્રછાયા ગુમાવી
માળીયા (મી.) | કચ્છના ગાંધીધામ ખાતે ખાનગી બેંકમાં નોકરી કરતા અને મૂળ જામનગરના રહેવાસી યુવાનને વતન જતી વખતે રસ્તામાં જ કાળનો ભેટો થયો છે. માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટિયા પાસે એક બેફામ ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ૨૩ વર્ષીય આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
વળાંકમાં ટ્રકે બાઈકને કચડ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના માટેલ ચોક વિસ્તારમાં રહેતા દુષ્યંતસિંહ હેમેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. ૨૩) પોતાનું બાઈક (GJ-10-DP-0298) લઈને ગાંધીધામથી જામનગર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન માળીયા-જામનગર હાઈવે પર ચાંચાવદરડા ગામ નજીક આવતા વળાંકમાં સામેથી આવતા ટ્રક (GJ-10-TY-0063) ના ચાલકે બાઈકને જોરદાર હડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે દુષ્યંતસિંહને માથા અને શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.
૧૦ મહિના પૂર્વે જ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા
મૃતક યુવાનના પરિવારજનો પાસેથી મળતી વિગતો મુજબ, દુષ્યંતસિંહના લગ્ન હજુ ૧૦ મહિના પહેલા જ થયા હતા. લગ્નના હજુ વર્ષ પણ પૂર્ણ થયું ન હતું ત્યાં જ આ અકસ્માતે હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. આશાસ્પદ પુત્રના મોતના સમાચાર મળતા જ જામનગરમાં રહેતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
પિતાએ ટ્રક ચાલક સામે નોંધાવી ફરિયાદ
આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા હેમેન્દ્રસિંહ ભીખુભા જાડેજા (૫૭) એ માળીયા (મી.) પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીધામમાં બેંકમાં ફરજ બજાવતો યુવાન રજાઓમાં વતન જતો હતો, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું.


