આજે 5મી ઓક્ટોબર એટલે “વિશ્વ શિક્ષક દિન”
✅ શિક્ષક કભી સામાન્ય નહી હોતા, પ્રલય ઔર નિર્માણ હંમેશા
ઉસકી ગોદ મે રહતે હૈ – આચાર્ય ચાણક્ય
5 ઓક્ટોબર એટલે ‘આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન ’. આ દિવસે 1966ના રોજ ટીચિંગ ઇન ફ્રિડમ નામની એક સંધી પર હસ્તાક્ષર થયા હતા.આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ટીચિંગ ઇન ફ્રિડમ સંધી હેઠળ શિક્ષકોનાં અધિકારો, જવાબદારી અને શીખવા-શીખવવાનો માહોલ ઉભો કરવા જેવી બાબતોનો સમાવેશ થતો હતો. 5 ઓકટોબર, 1997નાં રોજ આયોજીત આ સંમેલનમાં યૂનેસ્કોએ ઉચ્ચતર શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકોની સ્થિતિને લઇને વર્ગીકરણ કર્યુ હતું. માણસને સંસ્કાર આપીને સારો નાગરિક બનાવવામાં શિક્ષણનો મોટો ફાળો છે.આથી શિક્ષણને પ્રોત્સાહન આપવાનાં હેતુથી યુનેસ્કો દ્વારા દર વર્ષે શિક્ષક દિન ઉજવાય છે.
જો કે વિશ્વનાં જુદા જુદા દેશોમાં શિક્ષક દિન અલગ તારીખે પણ ઉજવાય છે જેમાં ભારતમાં મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન 5 સપ્ટેમ્બરને “શિક્ષક દિન” તરીકે ઊજવાય છે. સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે. તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી. ખુબ સાદી અને સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક.જે જીવન ઘડતરમાં મદદરૂપ થાય અને જીવનનાં મૂલ્યોની સાચી સમજ આપે એ શિક્ષક. શિક્ષકનું યોગદાન સમાજમાં ઘણું મહત્વનું છે. ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ પણ શિક્ષા મેળવવા માટે બાળપણમાં પોતાનું ઘર છોડીને શિક્ષા મેળવી અને પોતાનાં જીવનને સાર્થક બનાવ્યુ. વિદ્યા જેવુ અમૂલ્ય ધન મેળવવા માટે આપણે હંમેશા એક સારા ગુરૂની શોધ કરતા હોઈએ છીએ, કારણ કે એક સારા શિક્ષક જ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. આચાર્ય ચાણક્ય કહેતા કે શિક્ષક ક્યારેય સામન્ય નથી હોતા, પ્રલય અને નિર્માણ હમેશા એનાં ખોળામાં રમે છે. સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતા પહેલા વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે, અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે. આજે લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત છે પણ આ ક્ષેત્રમાં હજુ ઘણું કરવાનું બાકી છે. આજનું શિક્ષણ આપણને ભૂતકાળ સાથે જોડે છે, પરંપરા સાથે જોડે છે, પરંતુ ભવિષ્ય સાથે બહુ ઓછુ નિસ્બત રાખે છે. ખરેખર તો અત્યારે શું કરવું જોઈએ તેનાં પર પણ શિક્ષણમાં સંશોધન કરવું જરૂરી છે. -મિતલ ખેતાણી