19 ઓગસ્ટ એટલે “વિશ્વ ફોટોગ્રાફી દિવસ” અને “વિશ્વ માનવતાવાદી દિવસ”
📷 ફોટોગ્રાફી,મનથી લઈને હ્રદય સુધીની બાયોગ્રાફી

19 ઓગષ્ટ, 1939નાં દિવસને “વિશ્વ ફોટોગ્રાફી દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. દર વર્ષે 19 ઓગષ્ટનાં દિવસને “વિશ્વ ફોટોગ્રાફી દિન” તરીકે ઉજવવામાં આવે છે. ઈ. સ. 1839માં જીપ્સે અને ડાગુરે નામનાં વૈજ્ઞાનીકોએ ફોટોગ્રાફીની શોધ કરી ત્યારથી પીનહોલ કેમેરા, BOX કેમેરા અને આજનાં અતિ આધુનિક ડીજીટલ કેમેરા સુધીની વિકાસયાત્રા અવિરત રહી. ઈ. સ. 1558માં આ ગીસોવાનાં બાટીસ્ટા ડેલાપાર્તા નામનાં વ્યક્તિએ અંધારાવાળું નાના કાણાં વાળું બોક્સ બનાવ્યું. જેને ઓબ્સ્ક્યોરા નામ અપાયું ત્યારબાદ ઈ. સ. 1826માં ફિલ્મની શોધ થઇ. 1839માં અમેરિકન વૈજ્ઞાનિક જ્યોર્જ ઈસ્ટમેને કોડાક કંપનીની સ્થાપના કરી, કોડાકનો બોક્સ કેમેરા વિશ્વ બજારમાં મુકયો. કેમેરાનાં લેન્સની શોધ થતા જ આજે અતિ આધુનિકથી લઈને સરળ કેમેરા પણ અસ્તિત્વમાં આવ્યા છે. આજે તો ડીજીટલ લેબ શરુ કરી રોલ પ્રોસેસિંગ માટેની લેબ દ્વારા લોકોને ઝડપથી, સુલભ અને મનપસંદ સ્ટાઇલની વિવિધ ફોટોગ્રાફીનો લાભ મળે છે. આમ, માનવીની ઈચ્છાશક્તિને વિજ્ઞાનને આસમાને પહોચાડનાર ફોટોગ્રાફી કલાને વંદનનો દિવસ એટલે “વિશ્વ ફોટોગ્રાફી દિવસ”.
પહેલાનાં સમયમાં જ્યુજ જોવા મળતા કેમેરા આજે બે વર્ષનાં બાળકથી લઈને વૃદ્ધ થયેલા વ્યક્તિનાં હાથમાં પણ મોબાઈલ સ્વરૂપે જોવા મળે છે. લોકો જે જુએ છે, જાણે છે તેને કાયમ કેદ કરવા મથે છે અને માણસનાં મનની આ જ આદતે તેને કેમેરાનો આદિ બનાવી મૂકી છે. વર્ષો પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા સાથે બેસીને જોવામાં આખો પરિવાર જે આનંદની અનુભૂતિ કરતો હતો તે જ આજે વિવિધ સ્થળોએ પોતાનાં ફોટાઓ પાડીને કે પછી પાડેલા ફોટાઓ જોઇને સંતોષાતો નથી. ક્યાંક દેખાડો તો ક્યાંક અંતરની કામના કોઈ પણ સ્થળે વ્યક્તિને ફોટા પાડવાની આ અંતરંગ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પાઠવતી નથી. મોબાઈલ પણ ઊંધાં ફેરવીને મોટા ભાગે પોતાનાં જ ફોટા પાડનારા વ્યક્તિઓ માટે તેમની ડીમાંડ સમજીને મોબાઈલ કંપનીઓએ સેલ્ફી સીસ્ટમ પણ લાવી, પરંતુ આ નવી અજાયબીથી અંજાઈ ગયેલો યુવા વર્ગ કેટકેટલાં ખતરનાક કારનામાનો કરે છે જેનાં સંભારણા રોજ રોજ છાપામાં જોવા મળે છે. વળી કોઈ અમુક સ્થળે ફરવા જાય છે ત્યારે ત્યાં મેળવેલી ખુશી, આનંદિત થયેલું મન અને યાદોને સાચવી રાખવા માટે પાડવામાં આવતા ફોટાને બદલે જે સોશિયલ મીડિયા પર પાડેલા ફોટાનાં પેઈજ ભરાઈ જાય તેટલો ઢગલો કરીને પોસ્ટીંગ કરવાનો જે ટ્રેન્ડ છે તેમાં ક્યાંક ને ક્યાંક વ્યક્તિ પોતાનો અસલ આનંદ ખોઈ બેસે છે. ખરેખર તો મનુષ્યનું મન જ યાદોનું પ્રતિબિંબ છે. જેટલું મનુષ્ય તેનાં મનમાં સાચવી શકે છે તેટલું કદાચ તસવીરોમાં કેદ નહીં જ થઈ શકતું હોય. જો સમજતા આવડે તો ફોટોગ્રાફી એક એવી કળા છે જે માણસનાં મન અને હ્રદયની મનોકામનાઓ, તેનાં સ્વભાવ અને ખાસ કરીને તેનાં વિચારોનો તસ્વીર થકી પડઘો પાડે છે. ફોટોગ્રાફી એ ફોટોગ્રાફરનાં મનથી લઈને હ્રદય સુધીની બાયોગ્રાફી સમાન છે. જો કે આ બાબતમાં ફોટોગ્રાફીમાં કરવામાં આવતું વિભિન્ન પ્રકારનું દિગ્દર્શન પણ વત્તે ઓછે અંશે જવાબદાર છે.
♻️ “વિશ્વ માનવતાવાદી દિવસ” : માનવતાને મહેકાવતો દિવસ
♻️ હું માનવી માનવ થાઉં તો ઘણું

1980 નાં દાયકાથી “વિશ્વ માનવતાવાદી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી દિવસ એ જે માનવતાવાદી કર્મચારીઓએ માનવતાવાદી કારણોસર પોતાનું જીવન ગુમાવ્યું હોય તેમને સમર્પિત છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં હ્યુમનિસ્ટ્સને ધ્યાનમાં રાખીને, વિશ્વમાં હકારાત્મકતા લાવવા માટે માનવતાવાદ વિશેની સભાનતા પ્રગટાવવાનો છે. યુએનના બગદાદના મુખ્ય મથક પર બોમ્બ ધડાકામાં વિએરા ડી મેલો અને તેના 21 સાથી એવા માનવતા ચિકિત્સકોનાં મોતને યાદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 19મી ઓગસ્ટનાં દિવસે “વિશ્વ માનવતાવાદી દિવસ” ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વનાં ઘણા લોકો ભૂખમરો અને રોગગ્રસ્ત સ્થળોએ જીવન જીવનારા લોકો માટે સમાજમાં વધુ સારું સ્થાન બનાવવા માટે કાર્ય કરે છે, હ્યુમનિટેરિયન ડે એવા જ માનવતાવાદી કામદારોને શ્રદ્ધાંજલિ આપવાનો એક પ્રસંગ છે જે વિશ્વભરમાં યુદ્ધો અને કુદરતી આફતોનાં ભોગ બનેલા લોકોને મદદ કરવા તેમના જીવનને જોખમમાં નાખે છે. જેણે જીવનમાં ઓછામાં ઓછો એક વાર દરેક જરૂરિયાતમંદોને મદદ કરી છે.
કોઈપણ દેશમાં કોઈપણ ધર્મમાં કોઈપણ વિદ્યામાં, ચિકિત્સા શાસ્ત્રોમાં માનવ/મનુષ્ય એ જ મુખ્ય કેન્દ્રમાં છે અને માનવતા એ જ મોટો ધર્મ છે. દરેક વિજ્ઞાન, ચિકિત્સા શાસ્ત્રો, રાજકીય સ્થિતિ વગેરેનું કેન્દ્ર- માનવ જીવન અને તેને જીવન સારી રીતે જીવવાની દૃષ્ટિ વગેરે માનવની સુખ- શાંતિ માટે જ છે. એ માનવને માનવતા શીખવવા તેનાં સ્વાસ્થ્યની રક્ષા કરવા તેના માનસને સાત્ત્વિક બનાવવા ધર્મશાસ્ત્રો ચિકિત્સા રાગો- અન્ય તમામ વિજ્ઞાન વગેરેનું સર્જન થયેલ છે. દરેક કાર્યોમાં માનવ જ મુખ્ય છે. તેના આધારે જ જગતમાં ધાર્મિક્તા, સત્યતા, સદભાવના, સૃષ્ટિનો વિકાસ સૃષ્ટિનું બંધારણ સહયોગ બની રહ્યો છે. “પરસ્પર દેવોભવ માનવ” માનવ માનવતા રાખી એક બીજામાં દેવના દર્શન કરે તો પ્રભુ-પરમાત્મા રાજી રહે. અખા ભગત કહેતા કે, ‘તું જ તારો ગુરૂ થા.’ ભગવાન પ્રિય માનવની શોધમાં જ્યારે નરેન્દ્રનાથે શ્રી રામકૃષ્ણ પરમહંસને પૂછયું કે ‘તમે ભગવાનને જોયા છે? ત્યારે પરમહંસે ‘હા’ કહી તે વખતે નરેન્દ્રનાથે પૂછયું’કેવી રીતે ?’, ‘જેવી રીતે તને જોઉ છું તે રીતે.’ રામકૃષ્ણ દેવનાં આ શબ્દોમાં માનવતાનાં અનુભવનો રણકો હતો. તેથી નરેન્દ્રનાથ પીગળી ગયા અને સ્વામી વિવેકાનંદ પ્રગટી ગયા. ભગવત ગીતાનું એક સૂત્ર આપણે સહુને હૈયામાં રાખવા જેવું છે કે ’ઇશ્વર સર્વભૂતના હૃદયે અર્જુન તિષ્ઠતિ’ ઇશ્વર દરેક માનવની માનવતાનાં હૃદયમાં રહેલો છે. આમ દરેક દેશ-વિદેશમાં દરેક ધાર્મિકતામાં, દરેક શાસ્ત્રોમાં, દરેક વિજ્ઞાનમાં માનવ જ મુખ્ય છે અને માનવતા એ તેનો મુખ્યધર્મ છે.
એક માણસ અન્ય માણસ પ્રત્યે માનવતા દાખવે એ તો પાયાની જરૂરિયાત છે, પણ માણસને હવે પર્યાવરણ અને જીવસૃષ્ટિ પ્રત્યે પણ માનવતા રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. પોતાની અંગત જરૂરિયાતો માટે માણસે જીવસૃષ્ટિને સમગ્રપણે પ્રદુષિત કર્યું છે, સૃષ્ટિનું બેલેન્સ ખોરવાયું છે એટલે જ મનુષ્યને સામાન્ય જીવન જીવવામાં પણ તકલીફો પડે છે. ‘જીવો અને જીવવા દો’નું સિદ્ધાંત માણસ ભૂલ્યો છે અને હવે તેને ફરી યાદ કરવાનો જ નહિ, પરંતુ અમલમાં મુકવાનો પણ સમય પાકી ગયો છે. જીવસૃષ્ટિ પ્રત્યે કરુણા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ જ માણસને આવનારી આફતોમાંથી નીકળવાનો રસ્તો સરળ કરી આપશે. -મિત્તલ ખેતાણી

