આજે 1લી ઓગસ્ટ એટલે “વિશ્વ ફેફસાં કેન્સર દિવસ”

ફેફસાંનું કેન્સર ત્યારે થાય છે જયારે શરીરમાં ફેફસાંનાં ભાગમાં જરૂરિયાત કરતા વધારે કોષો અનિયંત્રિત સંખ્યામાં વૃદ્ધિ પામે. ફેફસાંનું કેન્સર સામાન્ય રીતે બ્રોન્ચીના કોષો અને ફેફસાના ભાગો, જેમ કે બ્રોન્ચિઓલ્સ અથવા એલ્વિઓલીમાં શરૂ થાય છે. કેન્સર શરીરના અન્ય ભાગોમાંથી ફેફસામાં પણ ફેલાઈ શકે છે. જ્યારે કેન્સરના કોષો શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં ફેલાય છે, ત્યારે તેને મેટાસ્ટેસિસ કહેવામાં આવે છે. WHO મુજબ, 2020 માં, ફેફસાના કેન્સરથી 1.8 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. ભારતની મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક પણ છે. ઉધરસ, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અનુભવવી, ઉધરસમાં લોહી આવવું, સતત થાક લાગવો, કોઈપણ કારણ વગર વજન ઘટવું આ તમામ ફેફસાંનાં કેન્સરનાં લક્ષણો છે.
ધૂમ્રપાન અને તમાકુનો ઉપયોગ ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ છે. અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર ફેફસાના કેન્સરના મૃત્યુમાંથી લગભગ 80% મૃત્યુ ધૂમ્રપાનને કારણે થાય છે. તમાકુના ધૂમ્રપાનમાં આશરે 7,000 જેટલા રસાયણિક પદાર્થો હોય છે, જેમાંથી 70 કરતા વધુ પદાર્થો કેન્સરજનક છે. આ પદાર્થોમાં નિકોટિન, ટાર, બેનઝિન, બેનજોપિરિન, પોલોનિયમ જેવા પદાર્થો શામેલ છે. ધુમ્રપાનના રસાયણિક પદાર્થો ફેફસાના કોષોના ડી.એન.એને નુકસાન પહોંચાડે છે, જે અયોગ્ય વૃદ્ધિ અને મ્યુટેશન તરફ દોરી શકે છે. જ્યારે ડી.એન.એ મ્યુટેશન થાય છે ત્યારે કોષો અનિયંત્રિત રીતે વહેતા થાય છે, જે ટ્યુમર બનાવે છે. ધુમ્રપાન ફેફસાની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, જેથી શરીરને કેન્સરજનક કોષોને નષ્ટ કરવું મુશ્કેલ થઈ જાય છે. ધુમ્રપાનના લાંબા સમયગાળા અને તેનો પ્રમાણ વધવાથી ફેફસાના કેન્સર થવાના જોખમમાં વધારો થાય છે. વ્યસન થી દુર રહેવું, સ્વસ્થ આહાર લેવાથી તેમજ નિયમિત કસરત કરવાથી આ પ્રકારની બીમારીઓથી દૂર રહી શકાય છે.
– મિત્તલ ખેતાણી
