આજે 1લી ઓક્ટોબર એટલે “વિશ્વ વૃદ્ધ દિવસ”

🌸 કંઈક ખૂટ્યું હતું લાગણીમાં એટલે જ આમ હું તરછોડાયો છું,

🌸 એક ઊંડો નિસાસો નાખી હું ઘડપણથી ગભરાયો છુ.

દર વર્ષે 1 ઓક્ટોબરે “વિશ્વ વૃદ્ધ દિવસ” તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે સમાજમાં રહેતા વરિષ્ઠ નાગરિકોનો મહત્વ સમજાવવામાં માટે ઘડવામાં આવ્યો છે. ખાસ કરીને આ દિવસનું મહત્વ વૃદ્ધ લોકોને જે તકલીફો થતી હોય છે તે દર્શાવવા માટે અને તેનાં ઉકેલનો પ્રયત્ન કરવા માટેનો છે. આજે આપણા સમાજમાં લોકો પશુ-પક્ષીઓને પોતાનાં ઘરમાં રાખે છે પણ પોતાના જ વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ પાડે છે. પશુ-પક્ષીઓને પ્રેમ આપવો એ વાત ખરાબ નથી જ પંરતુ નવાઈ એ વાતની છે કે જે માણસ પારકા પશુ-પક્ષીઓને પણ પ્રેમ, લાગણી અને એમને જરૂરી હુંફ આપી શકતા હોય તો એ પોતાના સગા માતા પિતાને સાચવવામાં કેમ અચકાય છે ! આશ્રમો અને આશ્રયો બંધાવનારને આશ્રય સ્થાન શોધવું પડે છે ! અરે દીકરો કે દીકરી લાડ ન લડાવે તો કઈ નહી પણ માવતરને રોડવી લેવાનું ટાળે એ તો કમનસીબી જ છે. મોટી ઉંમરની વ્યક્તિઓને શારીરિકથી લઈને માનસિક રીતે પણ ઘણા પ્રશ્નો હોય છે તે સામાન્ય બાબત છે, પરંતુ એવા પ્રશ્નોને લીધે પોતાના જ માતા પિતાને દુર હડસેલી દેવા એ કેટલે અંશે યોગ્ય છે ? શું દરેક વ્યક્તિને જીવનમાં વૃદ્ધાવસ્થા નથી આવતી ? બાળક કાયમ બાળક, યુવા કાયમ યુવા અને વૃદ્ધ કાયમી વૃદ્ધ જ રહે છે ? ના એવું જરા પણ નથી છતાં કાળની ગતિને સમજવામાં કેટલાક થાપ ખાઈ જાય છે. મોટી ઉંમરનાં લોકો શારીરિક શ્રમવાળા કોઈ કાર્ય ન કરી શકે, એ દેશના યુવાધનની જેમ દેશને આવક રળી નથી આપતા પરંતુ એ જે કાર્ય કરે છે એ અતિ મહત્વનું છે. એ દેશના યુવાધનને માર્ગદર્શન આપે છે. સમયે સમયે એમને જરૂરી પ્રેમ, હુંફ અને સંસ્કાર આપે છે. યુવા એમનાં હાથ નીચે જ તૈયાર થાય છે અને જીવનમાં સાચા ખોટાની સમજ કેળવવામાં સક્ષમ બને છે. પોતાના વડીલો પાસેથી લીધેલું જ્ઞાન વ્યક્તિ જીવનમાં ઉતારે છે અને એ દ્વારા અંતે તો દેશનો જ ઉદ્ધાર થાય છે, માટે દેશમાં જેટલો આવક રળી આપતો વર્ગ કામનો છે એટલા જ વૃદ્ધ લોકો પણ જરૂરી છે. વળી, ઘણી વખત તો મોટી ઉંમરે પણ મજુરી કામ કરતાં લોકો કે ફક્ત સમય પસાર કરવા માટે નાનું મોટું કામ કરતા વડીલો પણ પોતાનું ગુજરાન ચલાવી શકાય તેટલું કમાઈ લેતા હોય છે.

એવું નથી હોતું કે દર વખતે સંતાનોની જ ભૂલ હોય, ઘણી વખત વડીલો સંતાનોનાં જીવનમાં જરૂર કરતા વધુ દખલગીરી પણ કરતાં હોય અને યેનકેનપ્રકારેણ બાળકોને માનસિક ત્રાંસ પણ આપતા હોય છે. વડીલોએ પણ સમજવું જોઈએ કે આ નવી ટેકનોલોજીમાં જીવીને પળે પળે બદલાતી ફેશનોમાં રચ્યા પચ્યા રહેતા જીવોને એમની રીતે જીવવા દેવું જોઈએ અને જીવનની અંત ઘડીએ ‘હવે મારે શું છે ?’, ‘હું તો હજુ કેટલું જીવવાનો કે જીવવાની ?’, ‘હવે મારે કોઈ શોખ ન રખાય’, ‘મારું જીવતર કેટલું કે હું નવા કપડાં સીવડાવું’ વગેરે જેવી બાબતો વિચાર્યા વગર જીવનની વધેલી ક્ષણોમાં  પોતાના શોખ પૂરા કરીને, શાસ્ત્રો વાંચીને, પૂજાપાઠ કરીને કે પછી કોઈ પણ ગમતું કાર્ય કે સેવા કાર્યો કરીને પૂર્ણપણે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. -મિતલ ખેતાણી

આ સમાચારને શેર કરો