સૌરાષ્ટ્ર

જામનગરમાં જનતાનો મિજાજ ગરમ: સત્યમ કોલોનીમાં અધૂરા રોડના મુદ્દે મહિલાઓએ ‘માનવ સાંકળ’ રચી રસ્તો રોક્યો

બે મહિનાથી કામ અધૂરું મૂકી કોન્ટ્રાક્ટર ગાયબ; રોષે ભરાયેલી મહિલાઓએ વાહનચાલકોને કહ્યું- ‘રસ્તો નહીં ખુલે, ફરીને જાવ’

જામનગર: જામનગરના સત્યમ કોલોની અંડરબ્રિજ વિસ્તારમાં રોડનું કામ છેલ્લા બે મહિનાથી અધૂરું હોવાના કારણે સ્થાનિકોની ધીરજ ખૂટી છે. અનેક રજૂઆતો છતાં તંત્રના બહેરા કાને અથડાઈને રજૂઆતો પરત આવતા આજે આ વિસ્તારની મહિલાઓએ ‘રણચંડી’ બની અંડરબ્રિજ પાસેનો મુખ્ય માર્ગ ચક્કાજામ કરી દીધો હતો.

કોન્ટ્રાક્ટર ‘છૂમંતર’, જનતા પરેશાન
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકની સોસાયટીઓમાં રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર છેલ્લા બે મહિનાથી કામ અધૂરું મૂકીને પલાયન થઈ ગયો છે. ઉખડેલા રસ્તા અને ધૂળની ડમરીઓને કારણે સ્થાનિકોનું જીવવું દુષ્કર બન્યું છે. વારંવારની ફરિયાદો છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન લેવાતા આજે મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી.

મહિલાઓએ રચી માનવ સાંકળ: વાહનચાલકો સાથે રકઝક
વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ અંડરબ્રિજ તરફ જતા માર્ગ પર માનવ સાંકળ બનાવી રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. આ દરમિયાન વાહનચાલકોએ રસ્તો ખુલ્લો કરવા વિનંતી કરતા મહિલાઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, “તમારે ફરીને જવું હોય તો જઈ શકો છો, પણ જ્યાં સુધી રોડનું કામ શરૂ નહીં થાય ત્યાં સુધી રસ્તો ખુલશે નહીં.” મહિલાઓના આ આક્રમક તેવરને જોઈને વાહન વ્યવહાર થંભી ગયો હતો અને લાંબી લાઈનો લાગી હતી.

પોલીસ કાફલો ઘટનાસ્થળે: મનપાના અધિકારીઓને તેડાવાયા
ચક્કાજામની જાણ થતાં જ સિટી સી-ડિવિઝન પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાઓને સમજાવવા માટે ભારે મથામણ કરવી પડી હતી. પરિસ્થિતિ વણસતી જોઈ પોલીસે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવ્યા હતા. પોલીસે અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે મધ્યસ્થી કરી વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.

આ સમાચારને શેર કરો