skip to content

ચોટીલા હાઈ-વે ઉપર ફાર્મહાઉસમાં મહિલા ઉપર ગેંગરેપ: સાત સામે ફરિયાદ…

બળાત્કાર ગુજાર્યા બાદ મહિલાને મળ ખવડાવ્યાનો પણ આરોપ સાથે ભક્તિનગર પોલીસમાં ગેંગરેપ અને એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ

રાજકોટ-ચોટીલા હાઈ-વે ઉપર આવેલા ખાનગી ફાર્મહાઉસમાં મહિલા ઉપર બે-બે વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા પામી છે. આ બનાવમાં સંડોવાયેલા સાત સામે ફરિયાદ નોંધી પોલીસે એકને સકંજામાં લઈ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પતિથી અલગ રહેતી મહિલાએ સાવરકુંડલામાં જે વ્યક્તિની લોજમાં કામ કર્યું તેણે જ બે મહિલા સહિત પાંચ લોકો સાથે મળી ગુનાને અંજામ આપ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આરોપીઓએ મહિલા પરના બળાત્કારની વીડિયોક્લિપ ઉતારી તેને વાયરલ કરી દેવાની તેમજ પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી બીજી વખત બળાત્કાર ગુજાર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભક્તિનગર પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આરોપીઓને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

40 વર્ષીય મહિલાએ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેને સંતાનમાં 20 વર્ષનો એક પુત્ર છે. તેના લગ્ન 1993માં થયા હતા. ત્રણ વર્ષ બાદ પતિ પહેલાંથી જ પરિણીત હોવાનું જાણવા મળતાં તે પતિથી અલગ થઈ ગઈ હતી. આ પછી તે મુળ અમરેલીની હોવાથી મયુર ઘનશ્યામ કથીરીયા કે જે અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં પટેલવાડી પાસે રહે છે તેને ઓળખતી હોવાથી મયુરની સાવરકુંડલામાં ચાલતી લોજમાં 400 રૂપિયા રોજથી નોકરીએ લાગી હતી.

દરમિયાન ગત તા.29 મેના રવિવારે આજીડેમ પાસે ભરાતી રવિવારી બજારમાં ખરીદી કરવા ગઈ હતી. ખરીદી કરી પરત જવા માટે આજીડેમ ચોકડી સર્કલ પાસે રિક્ષાની રાહ જોઈ ઉભી હતી તેવામાં ત્યાં મયુર કાર લઈને આવ્યો હતો જેણે મને કહ્યું હતું કે બહેન, તું ગાડીમાં બેસી જા મારે કામ છે. જો કે મેં કારમાં બેસવાનો ઈનકાર કરતાં સાથે રહેલા અશોક પોપટે મારું બાવડું પકડી કારમાં બેસાડી દીધી હતી. કારમાં કુલ પાંચ લોકો બેઠા હતા જેમાં ધનજી ચકુ ટીંબડીયા, જગદીશ જીવાભાઈ ચાવડા અને એમ.એ.કાદરીનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો તેને કારમાં બેસાડીને ચોટીલા બાઉન્ડ્રી પાસેના એક ફાર્મહાઉસમાં લઈ ગયા હતા જ્યાંના રૂમમાં પાંચેય શખ્સોએ વારાફરતી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે ધનજી ટીંબડીયાએ તેનો વીડિયો ઉતાર્યો હતો.

મહિલાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ ગયા ગુરૂવારે મોચીબજાર મટન માર્કેટના ચોક પાસે અશોક પોપટ તેને ભેગો થઈ ગયો હતો જેણે તેને કહ્યું હતું કે શનિવારે તું સોરઠીયાવાડી સર્કલે જ્યાં કાનુડાને ઝૂલાવે છે ત્યાં ઉભી રહેજે જેથી સાંજે ત્યાં પહોંચી હતી. આ વેળાએ અશોક પોપટ સફેદ કલરની કાર લઈને આવ્યો હતો તેની સાથે એક અજાણ્યો શખ્સ પણ હતો. આવીને અશોકે તેને કંઈ પણ બોલ્યા વગર કારમાં બેસી જવાનું કહેતાં તેણે પોતાની વીડિયો ક્લિપ માંગી હતી.

આ પછી અશોકે એ ક્લિપ આપી દેવાની વાત કરતાં તે કારમાં બેસી ગઈ હતી. કાર સીધી 80 ફૂટ રોડથી ગ્રીનલેન્ડ ચોકડી થઈને હાઈ-વે પર કૂવાડવા ગામનો ઢાળ ચડી ત્યાં બીજી સફેદ કલરની કાર ઉભી હતી. તેમાં પણ કેટલાક શખ્સો હતા. બન્ને કારમાં બેઠેલા કુલ છ શખ્સો તેને પહેલીવાર જે ખાનગી ફાર્મહાઉસમાં લઈ ગયા હતા ત્યાં જ લઈને ગયા હતા જ્યાંના રૂમમાં વારાફરતી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. અગાઉ તેની ઉપર દુષ્કર્મ ગુજારનારા આ જ શખ્સો સામેલ હોવાનો આક્ષેપ મહિલાએ ફરિયાદમાં કર્યો છે.

બીજી વખત જ્યારે મહિલાને પ્રભુ ફાર્મમાં લઈ જવામાં આવી ત્યારે તેની સાથે ધનીબેન ડાયાભાઈ પરમાર અને ધારીના પ્રેમપરામાં રહેતી જ્યોતિ ઉર્ફે ગીતા ભૂપતભાઈ પરમાર પણ હતી. એટલું જ નહીં બન્ને એમ કહેતી હતી કે જે થશે એ લડી લેશું. મુંઝાવાની કોઈ જરૂર નથી. આ પછી મને રાત્રે નવ વાગ્યા સુધી ફાર્મહાઉસમાં જ રાખી હતી અને ત્યારબાદ અશોકે રૂમની અંદર આવી મહિલાને બાથરૂમમાં લઈ જઈ મળ ખવડાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી.

આ સમાચારને શેર કરો