મનસુખ વસાવાના રાજીનામાથી રૂપાણી સરકાર દોડતી થઈ ગઈ…

મનસુખ વસાવાના રાજીનામાથી રૂપાણી સરકાર હરકતમાં આવી ગઈ છે. તેમના રાજીનામા પછી વનમંત્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને અરજન્ટ મીટિંગ મળી હોવાની માહિતી બહાર આવી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના સાંસદે રાજીનામું ધરી દેતા ભાજપમાં ભૂકંપ આવ્યો છે. ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર લખ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. મનસુખ વસાવાના રાજીનામાથી રૂપાણી સરકાર હરકતમાં આવી ગઈ છે. તેમના રાજીનામા પછી વનમંત્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને અરજન્ટ મીટિંગ મળી હોવાની માહિતી બહાર આવી છે. સૂત્રોના મતે ઈકો સેન્સેટીવ ઝોન અંગે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી. વસાવાને મનાવવા માટે ઇકો સેન્સિટિવ ઝોન અંગે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે.

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મનસુખભાઇ વસાવા અમારા સિનિયર સાંસદ છે. એમને રાજીનામુ નથી આપ્યું, એમને રાજીનામુ આપીશ એવું જણાવ્યું છે. એમની સાથે મુખ્યમંત્રી સાથે બેસીને ચર્ચા કરી છે. એમના મુદ્દાનું નિરાકરણ આવી જશે. એમના વિસ્તારની જમીન છે, જેને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે, એમનો ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમની ફરજ છે લોકો માટે લડવાની એ લડી રહ્યા છે. પાર્ટી એમની સાથે છે.

મનસુખ વસાવાએ રાજીનામાના 14 કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર ઇકો-સેન્સિટિવ ઝોનના કાયદાને લઈને ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે પ્રવાસ દરમિયાન તેમના વિસ્તારના સ્થાનિક આગેવાનો અને ખેડૂતોની નારાજગી હોવાની વાત લખી છે. આ ટ્વીટના 14 કલાક પછી જ તેમના પાર્ટીમાંથી રાજીનામાના સમાચાર સામે આવ્યા છે.

તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, તારીખ :-૨૬-૧૨-૨૦૨૦, ૨૭-૧૨-૨૦૨૦ તથા ૨૮-૧૨-૨૦૨૦ ના રોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા તથા નાંદોદ તાલુકાના જે ગામોમાં ઇકો સેન્સેટીવ ઝોન લાગુ છે, તેવા (૧) સમારીયા, (૨) જુનવદ, (૩) સાકવા (૪) મોટા આંબા (૫) મોટા રાયપુરા (૬) જીતનગર-બાર ફળીયા જેવા વગેરે ગામોનો પ્રવાસ કર્યો.

આ પ્રવાસ દરમ્યાન બધા જ ગામોના સ્થાનિક આગેવાનોને ઈકો સેન્સિટિવ ઝોનના કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ બધા જ ગામોના સ્થાનિક આગેવાનોની સાથે ઈકો-સેન્સિટિવ ઝોનના કાયદા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પરંતુ બઘા જ સ્થાનિક આગેવાનોની એવી માંગણી હતી કે સ્થાનિક ખેડુત ખાતેદારોની જમીનોના સર્વે નંબરમાં ૩૫૯ તથા ૧૬૧ ની (કાચી) એન્ટ્રી પાડીને ૧૩૫-ડી ની નોટિસ આપવામાં આવી છે, તેને ઝડપથી રદ કરવામાં આવે તથા તાત્કાલિક ધોરણે ઇકો સેન્સેટીવ ઝોનનો કાયદો હટાવી લેવામાં આવે. તેવી સ્થાનિક આગેવાનોની લાગણી અને માંગણી હતી.

તેમણે પત્રમાં લખ્યું છે કે, મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ન જાય તે માટે રાજીનામું આપ્યું છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ભારતીય જનતા પક્ષે મારી ક્ષમતા કરતાં પણ ઘણું બધું મને આપ્યું ચે. જે માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું ઘણો જ આભાર માનું છું. શક્ય તેટલી પક્ષમાં પણ વફાદારી નીભાવી છે. તેમણે લખ્યું છે કે, મારી ભુલના કારણે પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું. જે બદલ મને પક્ષ ક્ષમા કરે.

બજેટ સત્ર દરમિયાન લોકસભાના સભ્યપદેથી પણ માનનીય સ્પીકર સાહેબને રૂબરૂ મળીને હું રાજીનામું આપીશ. આ મારા નિર્ણયની કેન્દ્રીય નેતાગીરીને પણ જાણ કરશો, તેમ પત્રમાં લખ્યું છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •