રાજકોટના લોકમેળામાં આ વખતે રાઇડ્સ હશે કે નહીં ? જાણવા વાંચો.
રાજકોટ લોકમેળો આ વર્ષે પણ રાઇડ્સ વિના યોજાય તેવી ભીતિ સંચાલકો દર્શાવી રહ્યા છે. રાઇડ્સ માટેના રાજ્ય સરકારના આકરા નિયમોમાં છૂટછાટ આપવાની રાઇડ્સ સંચાલકોની માંગણી ફગાવી દેતા રાજકોટ કલેકટરે જણાવ્યું હતું કે રાઈડ્સ સંચાલકોએ સરકારના નિયમો પાળવા પડશે. સરકારની એસઓપી મુજબ જ રાઈડ્સ સંચાલકોને મંજૂરી આપવામાં આવશે. સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે.રાઇડ્સ સંચાલકોની જે કોઈ માગ હશે તે સરકારમાં મૂકવામાં આવશે . રાઇડ્સ સંચાલકો જનતાની સલામતી માટેના તમામ નિયમોનું પાલન કરે તે જરૂરી છે. રાઇડ્સના ફિઝિકલ ફિટનેસ સહિતના નિયમો પાળવા પડશે. લોકમેળાનું સ્થળ પણ બદલાય તેવી શક્યતાઓ છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર જમીન સમયસર સમથળ થઇ જશે તો મેળો ત્યાં યોજાશે. મહત્વનુ છે કે નિયમોના કારણે 2024માં લોકમેળામાં એક પણ રાઈડ ચાલુ નહોતી થઈ.
સમયસર જમીન સમથળ થઇ જશે તો મેલો ૧૫૦ ફૂટ રીંગ રોડ પર યોજાશે
કલેકટરે જણાવ્યું હતું કે લોકમેળામાં રાઇડ્સ માટેના ફોર્મસ અને ટેન્ડરની પ્રક્રિયા વહેલી કરવાનું આયોજન થઇ રહ્યું છે. મેળા માટે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર જગ્યા વિષે વિચારણા કરાઈ રહી છે. આ જગ્યા પર લેવલિંગ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે અને જો ગ્રાન્ટ મળે તથા સમયસર જમીન સમથળ થઇ જશે તો મેલો ૧૫૦ ફૂટ રીંગ રોડ પર યોજાશે, અન્યથા રેસકોર્સ ખાતે યોજવામાં આવશે.
રાજકોટનો જન્માષ્ટમી લોકમેળો વર્ષ 1983થી યોજાઈ રહ્યો છે અને આજે તે શહેરની ઓળખનો એક ભાગ બની ગયો છે. શરૂઆતમાં આ મેળો શાસ્ત્રી મેદાનમાં યોજાતો હતો, પરંતુ લોકોની વધતી સંખ્યાને કારણે વર્ષ 2003થી તેને રેસકોર્સ મેદાનમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આ મેળો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં લોકો ખરીદી, મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણવા આવે છે.

