ગુજરાત

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે માવઠું પણ આવશે? જાણો આગાહી

ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનું અનુમાન હવામાન નિષ્ણાંતોએ કર્યું છે. આ સાથે હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેવાની આગાહી કરવામાં આવી છે. તો આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ. હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે, ગુજરાતનાં તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે. પરંતુ કોઈ મોટા ફેરફારોની શક્યતા હાલ જોવાઈ રહી નથી. આમ રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું આગામી દિવસોમાં પણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. રાજ્યના મધ્ય ભાગમાં પણ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.

જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, “આ ડિપ્રેશનના કારણે ભેજના લીધે અને વાવાઝોડાની અસરના લીધે છત્તીસગઢના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદમાં છાંટા થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતના ભાગોમાં ચાર પાંચ ડિસેમ્બરથી વાદળો આવી શકે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વાદળના લીધે દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં હળવા છાંટા થઈ શકે અને વડોદરાના ભાગોમાં પણ સામાન્ય વરસાદી છાંટા થઈ શકે છે.”

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, “ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી રહી શકે છે. સૌરાષ્ટ્રના ભાગમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહે છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા છે. જેની અસર દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.”

આ સમાચારને શેર કરો